કોઈપણ દેશનો કપરો સમય દેશના દરેક તબકાના નાગરિક વર્ગની કસોટી છે. મહાજનથી લઈને મજૂર, રાજનેતાથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેક વર્ગનું યથાશક્તિ યોગદાન આવા સમયે દેશ માટે જરૂરી થઇ પડે છે. આખા દેશ પર આવી પડેલ આપત્તિ દેશના નાગરિકશિસ્ત, સમૂહવર્તનની સભ્યતા, અને ખમીરની પરીક્ષા કરે છે. જો પ્રજા શિસ્તબધ્ધ રીતે દેશકાળની માંગ પ્રમાણે વર્તે તો મોટામાં મોટી આફત સામે દેશ પાર ઉતરી શકે છે. ખુબ ટૂંકા સમયમાં બબ્બે વિશ્વયુધ્ધ લડીને ખુવાર થઇ ગયેલા ઇંગ્લેન્ડની પ્રજાએ ઇંગ્લેન્ડને બેઠું કર્યું. એ વિશ્વયુધ્ધની વિજેતા પ્રજા હતી એ વાતનું ગૌરવ છાતીમાં લઈને ઘરઆંગણાની દરેક મુસીબતોનો સામનો ધૈર્ય, હિંમત અને સાહસિકતાથી કર્યો, અને પાર ઉતર્યા. ઇંગ્લેન્ડ પાસે વિન્સ્ટન ચર્ચિલ જેવું નેતૃત્વ હતું. ચર્ચીલે જનતાને તેમના ભાષણો દ્વારા પ્રેરિત કરી. તેમની અપીલનો મુખ્ય ભાવ લોહી, મહેનત, આંસુ અને પરસેવા થકી સંઘર્ષનો સમય પસાર કરવાનો હતો. જનતાએ ચર્ચિલ અને સરકાર દ્વારા દેશમાં અછત ધરાવતી ચીજ વસ્તુઓના રાશનિંગના નિયમોનું પાલન કરવા માટે લોકોને અપીલ કરી, જે વસ્તુઓ વપરાશમાંથી બાદ કે ઓછી કરી શકાય તેમ હોય એ ઓછી વાપરવાની સલાહ આપી. પ્રજાએ સરકારની અપીલને ઉલટભેર સહકાર આપ્યો અને વસ્તુ ઓછી વાપરવી તો ઠીક પણ ઘરમાં જે વસ્તુઓ વધારે હતી એ પરત કરવા લાઈનો લગાવી દીધી.
વડાપ્રધાન મોદીએ ઈરાન અમેરિકા ઇઝરાયેલ યુધ્ધને લઈને ઉભી થયેલ ઇંધણ અછતની સમસ્યાને લઈને પ્રજાને થોડી અપીલો કરી છે કે જેમ કે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળો, બને તેમ ઇંધણનો વપરાશ ઓછો કરો, વિદેશ પ્રવાસને બદલે ભારતમાં જ ફરવાનો આગ્રહ રાખો, અને લીડીંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એમણે પોતાના કાફલાની ગાડીઓની સંખ્યા ઘટાડીને બે કરી નાખી છે અને બીજા નેતાઓને પણ તેમ અનુસરણ કરવા અપીલ કરી છે. એક અરબી કહેવત છે કે ‘કારવાંની ગતિ કારવાંનો સૌથી છેલ્લે ચાલતો માણસ નક્કી કરે છે. ‘ કારવાંનો નેતા ‘ અમીરે કારવાં ’ કહેવાય છે, જેણે કારવાંના દરેક આદમીને સાથે લઈને ચાલવાનું હોય છે. કારવાંને મંઝીલ સુધી લઇ જવો એ ‘અમીરે કારવાં’ ની જવાબદારી હોય છે. કારવાંના નિયમો જે બધા માટે હોય એ એણે પણ પાળવા પડે છે અને કાફિલાના નિયમો તેમાં ચાલતા અદના આદમીને ધ્યાને રાખીને ઘડવામાં આવે છે. જે કાયદા ઘડે છે એનું પાલન કરવું એ પ્રથમ જવાબદારી ઘડનાર ખુદની છે. જે નિયમો પ્રજા માટે ઘડવામાં આવે છે એનું પાલન નેતાએ પણ કરવાનું હોય જ છે કારણકે લીડર આગળ ચાલે છે અને પ્રજાએ એની પાછળ ચાલવાનું હોય છે. એ આગળ ચાલીને પ્રજાને એનું અનુસરણ કરવા પ્રેરે છે. જેવું તેનું આચરણ હશે તેવું જ આચરણ એને અનુસરતા સમૂહનું રહેશે, એટલે જાહેરજીવનમાં પડેલા દરેક રાજકીય, સામાજિક આગેવાનની એ ફરજ છે કે એના દ્વારા કોઈ એવું વર્તન, વિધાન કે આચરણ ન થાય જેને લઈને સમાજ જીવનની શાંતિ અને સલામતી જોખમાય. એટલે આપણે ત્યાં સંસ્કૃત ઉક્તિ ખુબ વપરાય છે કે ‘યથા રાજા તથા પ્રજા.’ અને રાજા માટે સૌથી ઉંચો રાજધર્મ છે અને રાજાએ એનું પાલન કરવાનું છે. કદ ધરાવતા લીડરનો અવાજ એકસો બે ડીગ્રી ઉષ્ણતામાન લઈને ગળામાંથી બહાર ફેંકાય છે. લીડર ઘાઘરાની પાછળ સંતાઈને ફાયરીંગ નથી કરતો. લીડર જે હાથીની જેમ આગળ ચાલે છે, લીડર જે સિંહની અદાથી દોરવણી આપે છે. લીડર જે પ્રજાના પ્રશ્નો, પીડા, સુખદુઃખ પર બાજની જેમ નજર રાખે છે. મુશ્કેલીના સમયમાં જે દોઢસો ટકા જુસ્સા અને બસ્સો ટકા ક્ષમતાથી કામ કરે છે અને કરાવે છે.
સમાજશાસ્ત્રી મેક્સ વેબરે પોતાના નિબંધ ‘ધ વોકેશન ટુ પોલીટીક્સ’ માં નેતાની ત્રણ મુખ્ય વિશેષતાઓ કહી છે (૧) ઉન્માદ (પેશન), (૨) ઉતરદાયિત્વની ભાવના અને (૩) પાકો નિર્ણય. આગળ મેક્સ વેબર લખે છે કે એક અસંભવ વિરોધીતા નેતા માટે મોટામાં મોટી ચેલેન્જ છે. શુ છે એ વિરોધીતા ? પહેલું, ધ્યેય માટે ધગધગતો ઉન્માદ અને બીજું એ ઉન્માદ વચ્ચે નિર્ણયો લઇ શકવા માટે ઠંડુ બરફ જેવું દિમાગ, બધા નેતા પાસે આ નથી હોતું. ખુરશી માટે હવાતિયા નાખતા અર્ધશિક્ષિત, અર્ધદીક્ષિત નેતાઓ આ વિરોધીતામાં ફસાઈ ગયેલા હોય છે.
કોઈપણ મોટા રાષ્ટ્રવ્યાપી પડકારને પહોચી વળવા માટે સામુદાયિક પ્રયાસનું બળ જરૂરી છે. સમસ્યા સામે લડવા માટે જનતા, સંસ્થા, સમૂહ, પક્ષ, કે વિપક્ષનો જેટલો મોટો તબકો સામેલ થાય, સમસ્યાનું તેટલુ સુચારુ અને ઝડપી નિરાકરણ આવવાની સંભાવનાઓ વધી જાય છે. આ સમયેના ક્યાંયેથી પણ સરકારના પગલાઓ અને નીતિઓનો વિરોધ કે તેમાં અસહકાર એ પગલાઓ અને નીતિઓને તેટલા અંશે નિષ્ફળ બનાવે છે, પરિણામે સમસ્યા સામેની લડાઈ લાંબી ચાલે છે અને અસર થતા વર્ગનું પ્રમાણ બહોળું થઇ જાય છે. ભારત જેવડા મોટા અને બહુવિધ દેશમાં આવડો વ્યાપક સહકાર મેળવવો સંભવ નથી. અંગત કે સામુહિક અહિત કરીને પણ પોતાની માન્યતાઓ અને વિરોધને વળગી રહેનાર વર્ગની સક્રિયતા એક અલગ પડકાર બની રહે છે. દરેક વ્યક્તિ અને સંસ્થાનો સહકાર આવશ્યક છે.
ક્વિક નોટ — કેમ્બ્રિજ ડીક્ષનરીમાં લીડરની વ્યાખ્યા છે ‘એ વ્યક્તિ જે કોઈ જૂથ, દેશ કે સ્થિતિ પર કાબૂ ધરાવે છે,’. અમેરિકન ડીક્ષનરીમાં વ્યાખ્યા છે‘એ વ્યક્તિ જે પોતાની ક્ષમતા અને હોદ્દાની રુએ જનતા પર પ્રભાવ અને અંકુશ ધરાવે છે.’ ધંધાદારી ડીક્ષનરીમાં વ્યાખ્યા છે કે ‘એ કંપની કે પ્રોડક્ટ, જે પોતાના હરીફ કરતા વધુ વેંચાય છે.’ બજારમાં વધુ વેચાતી બ્રાંડ અને રાજકારણમાં પ્રજા વચ્ચે વધુ પસંદ થતી વ્યક્તિ લીડર છે.
production@infiniumpharmachem.com