રાખનાં રમકડાં
તે પછી, અમારે મામલતદાર ઓફિસનું કામ તો કોઈ દિવસ ખૂટે એમ જ નથી, એમાં પણ મારા ભાગે તો પુરવઠા વિભાગનું ટેબલ આવ્યું છે. જો ને, સામાન્ય પબ્લિકથી માંડીને મોટા મોટા વેપારીઓનાં કામ… અને તે બધાને સાચવવા રહ્યા…” રણમલે ખરેખર અત્યારની પોતાની હૈયાવરાળ બહાર કાઢતા હકીકત કહી. આમ, આવી સામાન્ય વાતચીત ચાલતી હતી ત્યાં તો બા ચા લઈને આવ્યા, એટલે તો દામલ-રણમલની વચ્ચે થતી વાતચીત બંધ થઈ ગઈ. બા એ ચા ના કપ બંનેના હાથમાં પકડાવી દીધા, ત્યાં તો રણમલ બોલ્યોઃ
“બા…, આજનો દિવસ કેટલો બધો શુકનવંતો સાબિત થયો છે કે, આજ જોઇએ તો ઓચિંતા જ અમે બંને ભાઈબંધ એકબીજાને મળી ગયા. મને તો ખૂબ જ ખુશી થઈ છે. હવે પછી ફરી ક્યારે મળીશું તેનું કંઈ નક્કી ન કહેવાય. આજે મારે પણ બીજું કંઈ કામ નથી, બસ નિરાંતે વાતો કરવાનો અવસર મળ્યો છે. એવું લાગશે તો સાથે સાથે ગામમાં ચક્કર પણ મારીશું…”
“એ તો ખૂબ સારું, સાચી ભાઈ-બંધી કોને કહેવાય? એક વાત તમને બંનેને કહું છું: તમે બંને બાળપણથી પાકા દોસ્તાર છો. તમારી બંનેની દોસ્તી છેલ્લે સુધી આવી ને આવી ટકી રહે તેવી પ્રાર્થના મેં ઠાકોરજીને આજે જ કરી…” અનેરા ભાવ સાથે બા એ સાચું કહ્યું.
“બા…, અમારી મિત્રતા સ્વાર્થ વગરની અને માત્ર હૃદયની શુદ્ધ ભાવનાની છે. દિલને સાવ ખુલ્લું રાખીને અમે નિર્દોષ ભાવે એકબીજાની સાવ જ અંગત વાતો પણ બિન્દાસ થઈને કરીએ છીએ. આમ કરવાથી અમને બંનેને ખૂબ આનંદ મળે છે. અને વળી સાથે સાથે હરવા-ફરવામાં પણ અમે ખૂબ ખૂબ મજા કરીએ છીએ…” ખુશ થઈને રણમલ બોલ્યો.
“સાચું સુખ એ જ છે બેટા, તમારા બંનેની આટલી બધી ખુશી જોઈને મને પણ ખૂબ આનંદ થાય છે… સાથે સાથે ગર્વ પણ થાય છે. અને રણમલ હવે તું સાંભળ:આજે તારે અહીં આ ઘરે દામલ સાથે સાથે જમવાનું છે. આમેય ઘણા સમયથી તમે બંને સાથે જમ્યા નથી, એટલે સાથે સંગાથે જમશો તો મને ખૂબ આનંદ થશે, બસ…, હવે તમે બંને પેટ-ભરીને વાતો કરો, હું તો રસોડામાં જાઉં છું…” બા એ આટલું કહી પછી રસોડા તરફ ચાલવા માંડ્‌યું. ત્યાં તો દામલ જરા મોટા અવાજે બોલ્યો:
“આ ખૂબ સારું કર્યું બા, તમે અગાઉથી જાણ તો કરી દીધી, નહિતર મને તો યાદ પણ ન આવે કે રણમલને જમવા માટે રોકી લઉં; અરે હા રણમલ…, બા એ કહ્યું તે તો તેં સાંભળ્યું ને? બા રસોઈ બનાવવા ગયા છે. તારું જમવાનું પાકું છે માટે હવે એક શબ્દ પણ ન બોલતો…” હામલે રણમલ સામે જોઈ કહ્યું, એટલે રણમલે પણ પૂછ્યુંઃ “રસોઈ બનતા એક કલાક તો થશે ને…?” “હા, એટલો સમય તો લાગશે જ…” બા બોલ્યાં.
“તો પછી અમે બંને થોડીવાર ગામમાં ચક્કર મારીએ તો?” રણમલ બોલ્યો.
“મારે તમારું ક્યાં કંઈ કામ છે? તમે જાવ પણ વહેલાસર આવી જજો.” બાએ કહ્યું.
બા આવું બોલ્યાં એટલે રણમલ હિંડોળા પરથી નીચે ઉતર્યો… એ સાથે હામલ પણ ઉતર્યો. પછી ઓસરીનાં પગથિયાં ઉતરી બંનેએ ચંપલ પહેર્યાં. અને સીધા જ ડેલી બહાર નીકળી ગયા. ચાલીને પહેલાં તો સીધા જ પાનના ગલ્લે પહોંચ્યા. હામલે પાન-મસાલાનો ઓર્ડર આપ્યો. રણમલે ખુશ થઈને આજે પાન ખાધું. હામલે માવાને ખૂબ ચોળી પછી મોઢામાં મૂક્યો.
હવે ગલ્લા પરથી નીકળીને તેઓ ભૂતનાથ મહાદેવના મંદિર તરફ જવાના રસ્તે ચડ્‌યા. ચાલતાં ચાલતાં દામલે એમ જ વાત કરીઃ “રણમલ, તને એક વાત કહું?”
“મને વાત કરવી હોય તો રજા લેવાની ન હોય. ઝટ કરતું ફટાફટ બોલવા જ મંડાય” રણમલે આવું કહ્યું. એટલે તરત જ દામલ બોલ્યોઃ “આ સાલી જિંદગી જીવવી મને તો હવે ખૂબ જ અઘરી લાગે છે. બધું મને તો દગાખોર લાગે છે, બધું જ પ્રપંચોથી છલકાતું દેખાય છે. સાચું કહું તો જ્યોતિ પાસેથી મને પહેલો દગો મળ્યો છે. એમાં એનો કોઈ વાંક કે ગુનો નથી, પરંતુ હું તો છેતરાયો જ ને? જેને હું મારી જિંદગી માનતો હતો, જેને હું મારો જીવ માનતો, જેને હું મારો શ્વાસ ગણતો… તે મારી ન થઈ. તેની પાસે હું છેતરાઈ ગયો. આવું થતાં હવે મારા બધા વિચારો તદ્દન ફરી ગયા છે. મારી તીવ્ર લાગણીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ છે.” હામલે તેના મનની સ્થિતિ વિશે આવું કહ્યું. એટલે થોડી ખીજ સાથે રણમલ બોલ્યો:
“સાલા…, આટલા સમય પછી પણ હજી તને એ જ્યોતિ જ યાદ આવે છે? તું તે કેવો છે? હજી પણ તેને ભૂલી નથી શકતો? આ સારું ન કહેવાય. જો તો તારાં લગ્ન પણ થઈ ગયાં છે. અને લગ્નને બે-અઢી વર્ષ થઈ ગયા હોવાછતાં…”
“છતાંપણ જ્યોતિને કેમ ભૂલવી? એને તો હું ભૂલી જ ન શકું. અને તેને ન ભૂલવાનું પણ એક કારણ છે…” દામલે કહ્યું. એટલે રણમલે તરત જ પૂછ્યુંઃ (ક્રમશઃ)