અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં ઘેટાં-બકરામાં ફેલાયેલા રહસ્યમય રોગચાળાએ માલધારીઓમાં ભારે ચિંતા ફેલાવી છે. અજાણ્યા રોગના કારણે પશુઓ અચાનક બીમાર પડી રહ્યા છે અને ટપોટપ મોતને ભેટી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે ૮૦ જેટલા ઘેટાં-બકરાના મોત નોંધાતા માલધારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.પરિસ્થિતિની ગંભીરતા જોતા ગામના સરપંચે તાત્કાલિક પશુ આરોગ્ય વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ તાલુકાની પશુ ચિકિત્સક ટીમો વડિયા પહોંચી અને રોગચાળો નિયંત્રણમાં લેવા સઘન કામગીરી શરૂ કરી છે. રોગનું ચોક્કસ કારણ જાણવા માટે વડિયા અને આસપાસના વિસ્તારોમાં આશરે ૧૨૦૦ પશુઓના બ્લડ અને અન્ય સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ રોગનું નિદાન શક્ય બનશે અને ત્યારબાદ યોગ્ય સારવાર તથા રસીકરણની કાર્યવાહી હાથ ધરાશે. હાલ માલધારીઓ પોતાના પશુઓના મોતથી વ્યથિત બની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.