અમરેલી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને વ્યાપક બનાવવાના શુભ આશયથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાના વરદ હસ્તે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકામાં ગ્રામીણ અને શિશુ-માતૃ આરોગ્ય સુવિધાઓ મજબૂત કરવાના ભાગરૂપે મંત્રીશ્રીએ જુના સાવર ખાતે રૂ. ૧૫૦ લાખ તથા આંબરડી ખાતે રૂ. ૧૩૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)નું લોકાર્પણ કર્યું હતું.
આ સાથે જ સાવરકુંડલા ખાતે અંદાજે રૂ. ૫૫ કરોડ (૫૫૦૦ લાખ)ના વિરાટ ખર્ચે નિર્માણ પામનારી અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ સિવિલ હોસ્પિટલનું વિધિવત ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ, રાજકીય અગ્રણીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં, વડોદરાની સરકારી હોસ્પિટલમાં દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ સ્થગિત હોવાના પ્રશ્ને મંત્રીશ્રીએ ત્વરિત તપાસ કરાવી જરૂરી સુધારાત્મક પગલાં લેવાની સ્પષ્ટ ખાતરી આપી હતી.ઉપરાંત, રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર જેવા અખાદ્ય પદાર્થો સામે ચાલતી કડક ઝુંબેશ અંગે જણાવતા તેમણે ઉમેર્યું કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે સરકારે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે. તાજેતરમાં જ રાજ્યભરમાં ૭૪ સ્થળોએ સફળ દરોડા પાડી આશરે ૧૦૦૦ કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો છે. અંતમાં મંત્રીશ્રીએ નાગરિકોને બ્રાન્ડ વગરની કે સસ્તા ભાવે મળતી અપ્રમાણભૂત ડેરી પ્રોડક્ટ્સ ખરીદવાને બદલે માત્ર પ્રમાણભૂત અને વિશ્વસનીય ઉત્પાદનો જ વાપરવા ખાસ અપીલ કરી હતી.








































