ઉના તાલુકામાં વર્ષ ૨૦૨૬-૨૭ની ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટની ફાળવણીમાં ભેદભાવ અને અપારદર્શકતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન શિંગડેએ લેખિત રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તાલુકાની ૭૭ ગ્રામ પંચાયતોમાંથી માત્ર ૪૨ ગામોને જ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જ્યારે ૩૫ ગામોને બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બેઠકમાં સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો અને વિકાસ કામોની દરખાસ્તો કાર્યવાહી નોંધમાં સામેલ ન કરાયાનો પણ આરોપ લગાવ્યો છે. બીજી તરફ, તાલુકા વિકાસ અધિકારી (TDP) કે.પી. ચાવડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે ગ્રાન્ટ તમામ ગામોના સંતુલિત વિકાસ માટે ફાળવવામાં આવી છે. દક્ષાબેન અને અન્ય સભ્ય દ્વારા રજૂ કરાયેલા ૨૬ વિકાસ કામોમાંથી ૧૩ કામોને આયોજનમાં સમાવીને રૂ. ૨૯ લાખના કામો ફાળવવામાં આવ્યા છે.