અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પટાંગણમાં લાંબા સમયથી પડેલા કુલ ૧૬ ટુ-વ્હીલર વાહનો અંગે પોલીસ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વાહનોના માલિકો, ચાલકો અથવા વીમા કંપનીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનોની સ્થિતિ સતત બગડી રહી હોવાથી તેમના કાયમી નિકાલ માટે જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે સંબંધિત તમામ માલિકોને રજિસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર, એન્જિન નંબર અથવા કંપનીના મોડલના આધારે પોતાની માલિકી સાબિત કરી ૭ દિવસની અંદર વાહન છોડાવી જવા અપીલ કરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં વાહનો છોડાવવામાં નહીં આવે તો તેમની જાહેર હરાજીની કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી અમરેલી સીટી પોલીસ ઇન્સપેક્ટરે જાહેર યાદીમાં આપી છે.








































