રાગ – વૈરાગ – ૨૩
સૂર્યદેવ ના તેજસ્વી કિરણો ગંગાનદીના ધીંગા પ્રવાહમાં પડીને પરાવર્તિત થઈ રહ્યા હતા. વાતાવરણમાં નકરો ઉત્સાહ અને આનંદ વરતાતો હતો. વહેતી ગંગા નદીના ખળખળ વહેતા પ્રવાહમાં કાંઠે ઊભેલા ભાવિક ભક્ત જના‘હર હર ગંગે.. જય જય ગંગે…હે માં ગંગા…’ કરતા શ્રધ્ધા સાગરમાં. ડૂબકી મારીને પાવન થઈ રહ્યા હતા.જાણે ધરતી ઉપરના સ્વર્ગ સમી હરદ્વારની ભૂમિ ઉપર આવીને સૌ કોઈ પરમ આનંદ અને દિવ્ય ચેતના ની અનુભૂતિ કરી રહ્યા હતા.
ગંગાના કાંઠે કાંઠે આવેલા. પ્રત્યેક ઘાટ ઉપર ભાવિક ભક્તજનોની ભીડ હતી અને હજી હરદ્વારમાં આવેલી નાની મોટી ધર્મશાળાઓ અને હોટલો માંથી ભાવિકો ગંગામૈયાના પવિત્ર પ્રવાહમાં સ્નાન કરી પાવન થવા ભાવિકોનો પ્રવાહ આવી જ રહ્યો હતો.
ઘાટ ઉપર મંદ. મંદ શીતલ પવન વાઈ રહ્યો હતો. ગંગાનંદીનો વહેતો પ્રવાહ કલકલ કરતો વહેતો મધુર નિનાદ કરી રહ્યો હતો. આઘે આઘે ઊભેલા. પહાડોની સુંદરતા ઘેરી વળી હતી. જિંદગીનો થાક ઉતરી જાય એવું પરમ શ્રદ્ધેય સ્થાનક હતું. ઘાટ ઉપરના પગથિયે બેસીએ અને બસ આમજ જિંદગી પસાર થઈ જાય,મન તો એમ જ ઝંખતું હતું. પણ હવે ઘણો સમય પસાર થઈ ગયો. હવે જવું જોઈએ..એમ વિચારીને ફરી એક વાર ડૂબકી મારીને આનંદ ઉભો થયો અને ઉતારા તરફ જવા તૈયાર થયો..પણ ગંગાનદીનું ખેંચાણ જ અલૌકિક હતું .દૂર જવા દેતું ન હતું.!
આનંદ ઘાટના પગથિયાં ચડી રહ્યો હતો. ચારેકોર ‘હર હર ગંગે… હર હર ગંગે… ’ના પવિત્ર ઘોષ થતા હતા. માનવી ઉમટી પડયું હતું.
કે, અચાનક એ ચમક્યો. અરે ??? આ હું શું જોઈ રહ્યો છું? એ? અહીં?? અત્યારે???..
– ના ના..એ ના હોય.!
એ અહીંયા કઈ રીતે હોય? અને વચ્ચે આટલા વરસો પણ ચાલ્યા ગયા..ના! ના! ના!!
– પણ ના- આનંદ સ્થિર થઈ ગયો.
એ જ છે કે શું?..
– પહેલા તો થયું કે ભ્રમ! પણ ના! ભ્રમ નહોતો. આ વાસ્તવિકતા હતી કદાચ!
હા, ધોળા દિવસે આંખો જે જોઈ રહી હતી તેને ભ્રમ કેમ. કહેવો?આ કાંઈ સપનું તો નહોતું.જે હતું એ સત્ય શું હતું.
…..નમણું મુખારવિંદ તો એ જ હતું. નમણું,ઘાટીલું, રૂપાળું ..!!એ મુખડાને તો કેમ ભૂલી જ શકાય? જે મુખડાની તો તેને માયા લાગી હતી.પણ આટલા વરસો પછી ય એ મુખડું એવું ને એવું જ હોય ? .. તેણે. મન ને પૂછ્યું. તો મન કહેવા લાગ્યું. તારા મનમાં જે છાપ પડી છે એ છાપ હજી આટલા વરસે એવી જ લાગે ભલે ને વરસો વીતી જાય..! એ છાપ કદી પણ ના ભૂંસાય.એટલે . તેણે મગજ ને પૂછ્યું.મગજ બોલ્યું કે ગાંડો થઈ ગયો છો કે શું??! મૂંઝવણમાં ને.મૂંઝવણમાં એ ચકરી.ખાઇ ગયો. તેને થયું કે ક્યાંક પડી જઈશ!
પેલું નમણું મુખડું તેની પાસેથી જ અડતું અડતું પસાર થઈ ગયું. એક ચિર પરિચિત શરીરની ગંધ તેને ઘેરી વળી અને એ.ચમકી ઊઠ્‌યો.અરે,આ સુગંધ તો…એની જ!!
એ ભીના વસ્ત્રે જ ઘાટના પગથિયાં ચડતો ચડતો ઊભો રહી ગયો. પેલી સ્ત્રી ને કશી જ ખબર નહોતી. એ અર્ધનિમલિત નેત્રે, નીચી નજરે ધીરે ધીરે ઘાટના પગથિયાં ઉતરી રહી હતી. એની બાજુમાં પણ બીજી બેત્રણ સ્ત્રીઓ હતી. જે તેની સાથે હતી..! એ પણ મંદ મંથર ગતિએ જ સાવ મૌન રહીને જાણે એકમેકના. આંખોના ઇશારા પારખીને ઘાટના પગથિયાં ઉતરી રહી. ના, એ નજર તો નીચી હતી.ખાલી જમીન જ જોતી હતી..!ચાલતા પગલાં ,જે ગતિએ પગથિયાં ઉતરી રહ્યા હતા, એ ગતિ તો કદાચ એની જ!
એ કમરનો એ વળાંક, એ શરીર નું ડોલન, એ શરીર નો લય અને એ પ્રત્યેક વળાંકો..તો એ જ હતા.!
આનંદ ખળભળી ઉઠયો.
સામસામે બે શરીર હતા.એક શરીર પગથિયાં ચડતું હતું,એક શરીર પગથિયાં ઉતરી રહ્યું હતું!
આ એજ ગતિ, લય અને આરોહ અવરોહ હતાં. જે હતી, એક વખતની પરિચિત થઈ ચૂકેલી ચાલ ના , કે જે એણે સપ્તેશ્વરની ડુંગરમાળા ઉપર આવેલા આશાપુરા મંદિરે દર્શન કરવા એકવાર સાથે ગયેલા, અને જેને પાછળ રહીને હાથની બન્ને ચપટીમાં ઘેરવાળા ઘાઘરાને પકડીને પગથિયાં ઉતરી રહી હતી એ પગની ઠેકને, તાલને, લયને, આરોહને અને અવરોહને તેણે મન ભરીને માણ્યા હતા.
વરસો પહેલાંની એ યાદગાર ઘટનાની ભેખડો એકસામટી તૂટી પડી. અને એ ભેખડની અંદર જ જડી દીધેલી એક પથ્થરની મૂર્તિ માનસપટ ઉપર છતી થઈ ઊઠી.
– અરે…આ ભ્રમ નથી મનવા!
– આ તો એજ…એજ..એજ… !!
પૂજાને તેણે કાલે જ ચિદાકાશમાં અને મનમાં અલપઝલપ સાકાર થતા એવા કોઈ ગેબી ઈશારાને બહુ સંયમિત સ્વરે રજુ કરતા કહ્યું પણ હતું કે “દીકરી, તારી ઈચ્છા મને મસૂરી બતાવવાની , કે ચાર ધામની જાત્રા કરાવવાની છે. પણ એ મારા સુખનું સરનામુ નથી…! એ મારી શાંતિનું સ્થળ પણ નથી. એ બધું તમારે માટે અને તારે માટે છે. મારું ગોકુળ કે મારૂ વૃંદાવન બસ આજ હરિનું ધામ હરિદ્વાર- હરિનું દ્વાર છે. અહીંયા કંઈક છે. કશુંક છે.જે મને ખેંચી રાખે છે. પૂર્વજન્મની કોઈ લેણદેણ હોય કે ગમે તે હોય પણ મારું સુખ મને અહીંયા જ મળશે!!હા, મારે ઘણાં સમયથી આવવું હતું. પણ હું આવી શકતો નહોતો. પણ એનું નિમિત તું છો. તું મને અહીં લઈ આવી, તો હું આવી શકયો છું નહીંતર કદાચ ન આવી શકત, એ પણ એટલું જ પાકકુ છે! તો પછી આ હરિદ્વારમાં મને રહેવા દે..!
મને ક્ષણે ક્ષણ અહીંથી નવું નવું ભાવવિશ્વ મળે છે. હું ‘હરકી પૌડી’ના પગથીયે કે પછી ગંગાજીના મંદિરની બહાર બેઠો હોઉં છું, ત્યારે મારો આત્મા એકદમ પ્રસન્ન થઈ જાય છે. તને ખ્યાલ છે? કે હું ગંગાજીમાં જેટલીવાર ડુબકી મારીને બહાર નીકળું છું. એટલા મારા જનમ, મારા લખચોર્યાસીના અવતારો ઓછાં થતાં જાય છે? એટલે. તને કહું તો દીકરા, એટલું જ કહું છું કે, મને જે નૈનિતાલ, સિમલા કે મસૂરી કે અન્ય જે કંઈ સ્થળે લઈ જવાની તારી પ્રયુક્તિ મારા માટેની મારી ખુશી માટેની છે એના કરતા વધુ ખુશી હું અહીં એકાંતમાં પ્રાપ્ત કરી શકુ છું અને બેટા, ખબર નહીં કે જયારથી હરિદ્વાર આવ્યો છું ત્યારના મારા ચેતસમાં, મારા મનમાં, મારા હૃદયમાં નકરો અલૌકિક આનંદ જ પ્રાપ્ત થયા કરે છે. જેમ કોઈ બાળકને દોર સહિતની ઉડતી ઉડતી કોઈ પતંગ હાથ લાગી જાય. એમ જ.! મને પણ મારી કપાઈ ગયેલી મારી પતંગ મળી જાય તો..?-
‘ઓહ પપ્પા..ટુ નાઈસ યોર વર્ડઝ… વીશ યુ ગોટ યોર ઓલ્ડ સમવન મુમેન્ટ….માય ડીયરેસ્ટ પાપા….આઈ વીશ કે, તમારી કોઈ વિશ અહીં જ પૂરી થાય.’ એટલું બોલીને.,
‘વેલ, બાય ધ વે…’ કહી. ખડખડાટ હસી પડી હતીઃ “તમારી કવિતા જેવી ગૂઢવાણી સમજવાની મારી તો કોઈ તાકાત છે જ નહીં. પણ હું તમને અહીંથી ઓળખી શકુ છું.. ’એમ કહીને તેણે તેની જમણા હાથની પહેલી આંગળી, આનંદની છાતી ની ડાબી બાજુએ હૃદય ઉપર મૂકી હતી. અને એના ચહેરા ઉપર પણ હાર્ટશેપના ગુલાબી ચાસ ચિતરાઈ ગયા હતા.
*
આનંદ સ્થિર થઈ ગયો. દસ બાર પગથિયાનું અંતર કાંઈ ઝાઝુ અંતર તો ન કહેવાય, પણ આતો પચ્ચીસ પચ્ચીસ વરસ પહેલાંનું અંતર !
પહેલા અને આ પગથિયાંના અંતર પહેલા જ કપાઈ ગયું હતું કે? પણ અંતરમાં અંતર હોય, અંતરમાં અંતર ન હોય..!!
એ એક ડગલુ નીચે ઉતર્યો અને હળવેથી સાદ પાડયો: ‘રૂપ.’
પણ સામેથી કોઈ પ્રતિસાદ ના મળ્યો.એણે ફરીવાર સાદ પાડ્‌યો:’એ રૂપ…..’
હવે પેલી સ્ત્રી ચમકીઃ અરે? આવો ભણકારો.?? તે ઊભી રહી ગઈ અને આસપાસ જોવા લાગી. તેની સાથેની સ્ત્રીઓ પણ ઊભી રહી ગઈ. અને તેને પૂછવા લાગી, કેમ શું થયું? તું ઊભી કેમ રહી ગઈ. પેલી સ્ત્રી કશું બોલી નહીં અને પછી આગળ ડગલું ભર્યું. આનંદે તે જોયું.અને હવે નક્કી થઈ જ ગયું કે એ રૂપા જ છે,પોતાની રૂપા! એ સ્તબ્ધ થઈને ઊભો રહી ગયો. પેલી સ્ત્રી આસપાસ જોઈને માથું ધુણાવતી આગળ ચાલી.
એણે ત્રીજી વાર સાવ હળવેથી સાવ હળવે થી સાદ દીધો, ‘એ, રૂપા…’
પણ સ્ત્રીને મન તો નકરો ભણકારો.! આ તરફથી આનંદે ફરીવાર સાદ પાડ્‌યો.હવે ઘણું છેટું પડી ગયું હતું.તોય સ્ત્રીને કાનમાં ભણકારો તો લાગ્યો.જ.. કે કોઈ બોલાવે છે.પણ કોણ છે? આ અવાજ??? એ ખળભળી ઉઠી.
– રૂપ… રૂપ…રૂપા…ફરી વખત ભણકારો લાગ્યો. પણ ના, ભણકારો તો નહોતો. પણ કોઈ જીવતો જાગતો સાદ હતો! એ કદાચ એક ક્ષણ રઘવાઈ થઈ ઉઠી અને આસપાસ જોવા લાગી.
સ્ત્રીને ખાતરી થઈ ગઈ કે ઘણાં ભણકારાય ખાલી ભણકારા નથી હોતા! પણ આપણને એ દિશામાં જોવાનું ભાન નથી હોતું!! પછી એ ભણકારો અલૌકિક પણ હોઈ શકે.! પણ આ તો ભવોભવ સાંભળવા ચાહેલો ભણકારો હતો..! પણ એ ભણકારોતો સૂના દલમાંથી ઘણી વાર ઉઠતો. અને આજે..?? આમ કાં થાય..? ના…ના…આ ગંગામૈયાના નાદમાં હુંય મૂઈ ભાન ભૂલી ગઈ! નપાવટ મન! કેટલું ઘેલહાધરૂ છે? ને કાંઈ??
-પણના, હવાની ઓઢણી ઉપર બેસીને ફરી એકવાર સાદ વહી આવ્યો, જરા જોરથીઃ ‘રૂપાઆ….’
એણે પાછળ જોયું.
એક પુરૂષમૂર્તિ ઊભી હતી.
ભીના વસ્ત્ર! ગોળાકાર પ્રતિભાશાળી ચહેરો. વાંકડિયા વાળનો જથ્થો, આછી આછી દાઢી. ખભે “શ્રીકૃષ્ણ શરણમ્‌ મમઃ’’ લખેલી કાળી શાલ, અમી ભરેલી આંખો પણ એની ઉપર કાળી ફેમના ચશ્માં..!
ઓહ… એ થંભી ગઈઃ એ? (ક્રમશઃ)