સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતા રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરથી લઈને રજકાપીઠ સુધીના વિસ્તારમાં ગત રાત્રે તંત્ર દ્વારા એક મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્ટના આદેશ અનુસાર સ્થાનિક પાલાધારકોએ અગાઉથી જ સ્વેચ્છાએ પોતાની જગ્યાઓ ખાલી કરી દીધી હતી, જે બાદ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને ત્યાં બાકી રહેલા ઓટલા અને અન્ય પાકા-કાચા બાંધકામોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર, વર્ષો જૂના આ પાલાબજારની જગ્યા ખાલી થતાં હવે આ વિસ્તારનો કાયાકલ્પ થશે. અહીં શહેરની સુંદરતામાં વધારો કરતો એક આધુનિક રીવરફ્રન્ટ બનાવવામાં આવશે, જેનાથી સાવરકુંડલાના વિકાસને નવી પાંખો મળશે. બીજી તરફ, આ ડિમોલિશનના કારણે વર્ષોથી અહીં નાનો-મોટો વેપાર કરીને ગુજરાન ચલાવતા અનેક પાલા ધારકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની સામે આજીવિકાનું મોટું સંકટ ઊભું થયું છે. આ બાબતને લઈને શહેરના બુધ્ધિજીવીઓ અને અગ્રણીઓમાં વ્યાપક ચર્ચા જાગી છે. સ્થાનિક બુધ્ધિજીવીઓનું માનવું છે કે વિકાસ જરૂરી છે, પરંતુ તંત્રએ આ ગરીબ વેપારીઓ પ્રત્યે કૂણું વલણ અપનાવવું જોઈએ.