ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને હવે ત્રણ સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે, છતાં અનેક નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજુ સુધી નવા મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર થયા નથી. ભાજપ દ્વારા પદાધિકારીઓની પસંદગી માટે આંતરિક ચર્ચાઓ અને મથામણ ચાલુ હોવાનું સામે આવી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રાજ્યભરમાં મજબૂત પ્રદર્શન કર્યું હતું. અનેક નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી સત્તા કબજે કરી છે. હવે સત્તાના મહત્વના પદો પર કોને બેસાડવા તે મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરે બેઠક અને ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ, સુરત સહિતના મોટા શહેરોમાં પદાધિકારીઓની પસંદગી મુદ્દે હજુ સુધી સર્વસંમતિ બની શકી નથી. વિવિધ જૂથો પોતાના સમર્થકોને મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર લાવવા માટે સક્રિય બન્યા હોવાનું જાણવા મળે છે. જેના કારણે સત્તાવાર જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિય નેતા પુરુષોત્તમ રૂપાલા સાથે જાડાયેલા સમીકરણો તો સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રભાવને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના આંતરિક ગોઠવણો અને રાજકીય સંતુલન જાળવવા માટે પક્ષ નેતૃત્વ ખૂબ સાવધાનીપૂર્વક નિર્ણય લઈ રહ્યું છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને કારણે પણ આ પ્રક્રિયા થોડા સમય માટે અટકાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, અમદાવાદ મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભાજપના પ્રવક્તાઓનો દાવો છે કે પદાધિકારીઓની પસંદગી માટેનું મોટાભાગનું હોમવર્ક પૂર્ણ થઈ ચુક્યું  છે અને હવે અંતિમ મંજૂરી બાદ યાદી જાહેર કરવામાં આવશે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૨મી મે પછી કોઈપણ સમયે પાલિકા અને મહાનગરપાલિકાઓના નવા મેયર,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.રાજ્યની રાજકીય ગતિવિધિઓ વચ્ચે હવે સૌની નજર ભાજપ કયા નેતાઓને મહત્વના પદો સોંપે છે તેના પર ટકેલી છે.