માંડવી તાલુકાના અરેઠ (તડકેશ્વર) નજીક આવેલા વિરપોર ગામમાં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ આ વખતે ગામના પ્રથમ નાગરિક અને જવાબદાર વ્યક્તિ એવા સરપંચના ઘરને જ નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ભારે આશ્ચર્ય અને ફફડાટ વ્યાપી ગયો છે. સરપંચના બંધ ઘરેથી તસ્કરો અંદાજિત ૩ થી ૪ લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે.

જાણવા મળતી માહિતી અનસાર વિરપોર ગામના પાદર ફળિયામાં છેલ્લા ૧૦ વર્ષથી સરપંચ તરીકે કાર્યરત મનુભાઈ (મનજીભાઈ) નગીનભાઈ વસાવાના ઘરને ગત રાત્રે આશરે ૧ થી ૨ વાગ્યાના અરસામાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશી કબાટનું તાળું તોડી અંદર રાખેલા કિંમતી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી. સવારે ચોરી થઈ હોવાની જાણ થતાં જ ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પંથકમાં ચોરીનો આ કોઈ પ્રથમ બનાવ નથી. થોડા સમય પહેલાં જ તડકેશ્વરના રોડ ફળિયામાં રહેતા ઈલ્યાસ ઈસ્માઈલ કાળાના બંધ ઘરને પણ આ રીતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ટૂંકા ગાળામાં જ બનેલી આ બીજી મોટી ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તડકેશ્વર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો અને રોષ જાવા મળી રહ્યો છે. તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે.

બીજી તરફ, વિરપોર ગામના જ વ્હાઈટ રોઝ ફાર્મમાંથી પણ એક બાઈકની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ તમામ ઘટનાઓને પગલે પંથકમાં ભયનો માહોલ છે અને પોલીસ વહેલી તકે આ તસ્કરોને ઝડપી પાડે તેવી સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.

તડકેશ્વર પોલીસ મથકના પીઆઇ એમ.એચ.સોલંકીએ આ અંગે જણાવ્યું હતું કે, ઉપરોક્ત બનાવની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ભોગ બનનાર પરિવારના નિવેદન લેવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેક કરાઇ રહ્યા છે. ઝડપથી તસ્કરોને ઝડપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.