હિમતનગરશહેર અને આસપાસના વિસ્તારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને આંદોલન બાદ રાજ્ય સરકારે હિંમતનગરમાં લાગુ કરાયેલ હુડાને સંપૂર્ણપણે રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
હુડાના અમલ સામે સ્થાનિક લોકો અને વિવિધ ગામોના રહેવાસીઓ છેલ્લા ૧૦૦ દિવસથી વધુ સમયથી સતત વિરોધ કરી રહ્યા હતા. લોકોનો આક્ષેપ હતો કે હુડાના અમલથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને નુકસાન થઈ રહ્યું છે.વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક રજૂઆતો અને બેઠકો યોજાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા સરકારને વારંવાર હુડા સંપૂર્ણ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં પણ હુડાને સ્થગિત કરવામાં આવ્યું હતું. જાકે બાદમાં ફરી હુડા અમલમાં આવતા ૧૧ ગામના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે હુડાના અમલથી જમીન અને વિકાસ સંબંધિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી.વિરોધ વધતા સરકારે અગાઉ હુડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ લોકોની મુખ્ય માંગ હુડાને સંપૂર્ણપણે રદ કરવાની હતી.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ હુડા સંકલન સમિતિ અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સમિતિ દ્વારા હુડાને સંપૂર્ણપણે રદ કરવાની માંગ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી.ચર્ચા અને રજૂઆતો બાદ રાજ્ય સરકારે આખરે હુડા સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
હુડા રદ થવાની જાહેરાત બાદ સ્થાનિક લોકો અને હુડા સંકલન સમિતિમાં ખુશીની લાગણી જાવા મળી રહી છે. સમિતિ દ્વારા આ નિર્ણયને લોકોની જીત ગણાવવામાં આવ્યો છે અને ઉજવણી કરવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને આખરે સફળતા મળી છે.