અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિસલપુર ગામમાં ગેરકાયદેસર રેતી ખનનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્થાનિક ખેડૂતો અને સામાજિક કાર્યકરોના આક્ષેપ મુજબ ભૂ-માફિયાઓ સરકારી તંત્રની મિલીભગતથી બેફામ રીતે રેતી ચોરી રહ્યા છે. પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને આરટીઓ જેવા જવાબદાર વિભાગો સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ લીઝધારકો અને ભૂ-માફિયાઓ દ્વારા તમામ નિયમોને અવગણીને ખનન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની ખેતીવાળી જમીનમાં ઘુસી જઈ ઊભા પાકનો નાશ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ મશીનો વડે રેતી કાઢવામાં આવી રહી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે મંજૂર વિસ્તાર સિવાય સરકારી જમીનમાં પણ ખનન કરવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ ૨૫થી ૩૦ ફૂટ સુધી ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે, જેના કારણે અકસ્માતનો ખતરો પણ વધી ગયો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસ-રાત હજારો ડમ્પરોમાં ક્ષમતા કરતાં વધુ રેતી ભરી પરિવહન કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં સંબંધિત વિભાગો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.ખાસ કરીને અમદાવાદ આરટીઓ વિભાગ સામે આંખ આડા કાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ દોડી રહ્યા હોવા છતાં ચેકિંગ અથવા દંડની કાર્યવાહી થતી નથી તેવો સ્થાનિકોનો દાવો છે.
પીડિત ખેડૂતો દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા, ખાણ-ખનીજ વિભાગ અને રાજ્ય સરકાર સુધી અનેક રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે ફરિયાદ કરનારાઓને જ દબાણમાં લેવા માટે ખોટા કેસ કરવામાં આવ્યા છે. કેટલાક ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
સામાજિક કાર્યકર હરેશ દેસાઈએ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ ખાણ-ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ અને ભૂ-માફિયાઓ વચ્ચે સીધી સાંઠગાંઠ છે.તેમણે દાવો કર્યો કે એક ઉચ્ચ અધિકારીને કાળા રંગની લક્ઝરી સ્કોર્પિયો કાર ગિફ્ટ આપવામાં આવી હતી. ઉપરાંત, ખાણ-ખનીજ વિભાગની ટીમો જ્યારે ચેકિંગ માટે આવે છે ત્યારે તેમના સરકારી વાહનોમાં લાખો રૂપિયાનું ડીઝલ પુરાવાનું બિલ પણ માફિયાઓ જ ચૂકવે છે.
સ્થાનિકોએ તલાટી સમક્ષ રજૂઆત કરતાં જવાબ મળ્યો કે આ મામલો ખાણ-ખનીજ વિભાગનો છે અને તેમની કોઈ જવાબદારી નથી. જાકે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે સરકારી જમીન પરના દબાણ અને ગેરકાયદેસર ખનન રોકવાની જવાબદારી સ્થાનિક તંત્રની પણ બને છે.
સામાજિક કાર્યકરોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે ગેરકાયદેસર ખનનથી સરકારી તિજારીને થઈ રહેલા કરોડોના નુકસાનને અટકાવવા કડક પગલાં લેવામાં આવે. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને ભૂ-માફિયાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.









































