ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં સર્જાયેલી ટેકનિકલ ખામીઓ અને એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો કેસીજીની ઓફિસે પહોંચ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
મળતી માહિતી મુજબ જીસીએએસ પોર્ટલ મારફતે કોલેજામાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓને અનેક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પોર્ટલમાં ખામીઓ હોવાના કારણે એડમિશન પ્રક્રિયામાં ગૂંચવણ સર્જાઈ રહી છે અને હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.આ મુદ્દે રજૂઆત કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારથી એબીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રેલી કાઢી કેસીજી ઓફિસ સુધી કૂચ કરી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો જીસીએએસ ઓફિસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે સુરક્ષા કારણોસર મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જાકે, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયા બાદ કેટલાક કાર્યકરો ઓફિસ પરિસરમાં પ્રવેશી ગયા હતા.સ્થળ પર ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ જીસીએએસ તંત્ર સામે ઉગ્ર નારા લગાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો કે જીસીએએસના અધિકારીઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળવા તૈયાર નથી. રજૂઆત માટે અધિકારીઓને બહાર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા વિદ્યાર્થીઓમાં વધુ રોષ ફેલાયો હતો.કાર્યકરોનો આક્ષેપ હતો કે અધિકારીઓ જવાબ આપ્યા વગર સ્થળ છોડીને નીકળી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
રોષે ભરાયેલા કેટલાક કાર્યકરોએ જીસીએએસ ઓફિસ તરફ દોડી જઈ મુખ્ય પ્રવેશ દ્વારને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, છતાં ગેટ તોડી નાખવામાં આવ્યો હતો.ત્યારબાદ કાર્યકરો ઓફિસ બહાર બેસી ગયા હતા અને રામધૂન સાથે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે જીસીએએસ પોર્ટલમાં રહેલી ખામીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે અને એડમિશન પ્રક્રિયા સરળ બનાવવામાં આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે ભવિષ્ય સાથે ખેલ થઈ રહ્યો છે.આ ઘટનાએ રાજ્યની એડમિશન પ્રક્રિયા અને ડિજિટલ સિસ્ટમ અંગે ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે.