ગ્લોબલ લેવલે ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ભારત માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાય ચેનને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે એલપીજીથી ભરેલું એક મોટું દરિયાઈ ટેન્કર સુરક્ષિત રીતે ભારત પહોંચી ગયું છે. આ જથ્થો આવવાથી ભારતીય ઉર્જા બજાર અને સપ્લાયને થોડી મજબૂતી ચોક્કસ મળશે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના બીજા સૌથી મોટા એલપીજી ગ્રાહક દેશ ભારતમાં આટલી મોટી માત્રામાં આવેલો ગેસ આખરે કેટલો સમય ટકી શકશે?
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ૨૦ હજાર ટન એલપીજી લઈને ‘સિમી’ નામનું એક વિશાળ કેરિયર ગુજરાતના કંડલામાં આવેલા દીનદયાલ પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. વર્તમાન સુરક્ષા દેખરેખ હેઠળના ઓપરેશન્સ અંતર્ગત હોર્મુઝ સ્ટ્રેટ જેવી જાખમી જગ્યાને પાર કરનારું ‘સિમી’ ૧૧મું એલપીજી ટેન્કર બની ગયું છે. આ માલવાહક જહાજે ૧૩ મેના રોજ હોર્મુઝ સ્ટ્રેટના મુશ્કેલ રસ્તાને પાર કર્યો હતો. આ ટેન્કરની મુસાફરીને સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં જહાજ પર સવાર કુલ ૨૧ ક્રૂ મેમ્બર્સની મોટી ભૂમિકા રહી, જેમાં ૮ યુક્રેનિયન અને ૧૩ ફિલિપિન્સના નાગરિકો સામેલ હતા.
ભલે ૨૦ હજાર ટન એલપીજી સાંભળવામાં બહુ મોટી માત્રા લાગે, પરંતુ ભારત જેવા વિશાળ દેશ માટે આ માત્ર થોડા કલાકોનો જ ખોરાક છે. આંકડાઓ પર નજર કરીએ તો, આટલા ગેસથી આપણા દેશમાં માત્ર ત્રીજા ભાગનો દિવસ એટલે કે માત્ર ૮ કલાક જ કામ ચાલી શકશે. આનું મુખ્ય કારણ એ છે કે ભારત હાલમાં સમગ્ર વિશ્વમાં એલપીજીનો બીજા સૌથી મોટો ગ્રાહક દેશ બની ચુક્યો છે. અહીં સામાન્ય ઘરોથી લઈને કોમર્શિયલ સેક્ટર્સ સુધી ગેસની ડિમાન્ડ એટલી વધારે છે કે હજારો ટનનો આ મોટો જથ્થો એક આખો દિવસ પણ કાઢી શકે તેમ નથી.
ભારતની એલપીજી માંગને વિગતવાર સમજીએ તો, અહીં સામાન્ય દિવસોમાં દરરોજ લગભગ ૫૫,૦૦૦ થી ૬૦,૦૦૦ મેટ્રિક ટન એલપીજીનો જંગી વપરાશ થાય છે. ઘણી વખત પીક સીઝન અથવા તહેવારો દરમિયાન દેશમાં દરરોજ ગેસની કુલ માંગ વધીને ૮૦,૦૦૦ થી ૯૦,૦૦૦ ટન પ્રતિ દિવસ સુધી પણ પહોંચી જાય છે. દેશની આ વિશાળ જરૂરિયાતને પૂરી કરવા માટે સ્થાનિક રિફાઇનરીઓ સતત કામ કરી રહી છે. ઇન્ડિયન ઓઇલ અને બીપીસીએલ જેવી અગ્રણી સરકારી કંપનીઓ દેશની કુલ એલપીજી માંગનો લગભગ ૪૦% થી ૬૦% હિસ્સો દેશની અંદર જ ઉત્પાદિત કરી લે છે.
ભારતને પોતાની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે દર વર્ષે બહુ મોટા પાયે એલપીજીની વ્યવસ્થા કરવી પડે છે. દેશની કુલ વાર્ષિક એલપીજી માંગ લગભગ ૩.૧ કરોડ ટનથી લઈને ૩.૩ કરોડ ટન સુધી પહોંચી ગઈ છે. આ ભારે માંગને પહોંચી વળવા માટે ભારત પાસે કુલ એલપીજી સ્ટોરેજ ક્ષમતા લગભગ ૧.૬ મિલિયન ટન એટલે કે ૧૬ લાખ ટનની છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સત્તાવાર આંકડા મુજબ, આ આખી સ્ટોરેજ સિસ્ટમના જારે ભારત પાસે હંમેશા લગભગ ૪૫ દિવસનો રોલિંગ સ્ટોક એટલે કે એડવાન્સ એલપીજી ઇન્વેન્ટરીનો બેકઅપ હાજર રહે છે.








































