દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સ અને સ્વ-સહાય જૂથોને ૧૦ કરોડ સુધીની અસુરક્ષિત લોન આપશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રવિવારે આ જાહેરાત કરી. તેમણે ઉમેર્યું હતું કે શહેરના મોલ્સ અને મુખ્ય શોપિંગ કોમ્પ્લેક્સમાં મહિલાઓ દ્વારા બનાવેલા સ્વદેશી ઉત્પાદનોને વ્યાપક બજારમાં પ્રમોટ કરવા માટે ખાસ પ્લેટફોર્મ પણ પૂરા પાડવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાજધાનીની મહિલાઓને આત્મનિર્ભરતા, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક સશક્તિકરણ સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલા સ્વ-સહાય જૂથો અને સ્ટાર્ટઅપ્સ માટે ?૧૦ કરોડ સુધીની અસુરક્ષિત લોનની વ્યવસ્થા કરવામાં આવી છે.”
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દિલ્હી સરકાર આવી લોન માટે ગેરંટી આપશે. શનિવારે રોહિણીમાં આયોજિત બે દિવસીય “મેગા સ્વ-સહાય જૂથ મેળો-૨૦૨૬” ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી “વોકલ ફોર લોકલ”, “આત્મનિર્ભર ભારત” અને “એક જિલ્લો, એક ઉત્પાદન” ની વિભાવનાઓને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વ-સહાય જૂથ મેળો મહિલાઓ દ્વારા બનાવેલા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને તેમને વ્યાપક બજાર સાથે જાડવાનો પ્રયાસ છે. મેળામાં લગભગ ૨૪ સ્વ-સહાય જૂથોએ ભાગ લીધો હતો. મેળામાં હસ્તકલા, ક્રોશેટ વર્ક, ખાદી, ઘરગથ્થુ ઉત્પાદનો, ખાદ્ય વસ્તુઓ અને અન્ય હાથથી બનાવેલી વસ્તુઓ પ્રદર્શિત અને વેચવામાં આવી હતી.






































