ગીર ગઢડાના જામવાળા વન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વન વિભાગે શાહુડીનો શિકાર કરવા બદલ ભાવનગરના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ગત તારીખ ૧૯ મે ૨૦૨૬ના રોજ ભાખાથી જામવાળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે એક શાહુડી ઘાયલ થઈ હતી. ભાવનગરના વતની એવા ભરતભાઈ ભીમજી સોલંકી, જીવરાજભાઈ રમેશ સોલંકી અને ભરત પરસોત્તમભાઈ સોલંકીએ આ ઈજાગ્રસ્ત વન્યજીવને પકડી લીધું હતું. ત્યારબાદ તેઓ તેને નજીકના એક કેરીના બગીચામાં લઈ ગયા હતા, જ્યાં જીવતી શાહુડીને નિર્દયતાથી મારી નાખીને ખાવાના ઈરાદે ધારદાર હથિયાર વડે કાપી નાખી હતી. આ ગુનાહિત કૃત્યની બાતમી મળતા જ ગીર પશ્ચિમ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જામવાળા રેન્જના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. વન વિભાગની ટીમે શિકાર કરાયેલી શાહુડીના અવશેષો અને હથિયારો કબજે કરીને ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓએ પૂછપરછમાં માત્ર ખાવાના આશયથી જ આ શિકાર કર્યો હોવાની કબૂલાત કરી હતી.









































