(૧)મધમાખીને બદલે ભગવાન પ્રસાદમાં જો ધનમાખી આપી દે તો?
દર્શિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
તો મનમાખીને કંટ્રોલ કરવી અઘરી પડે!
(૨)મને કમરથી ઉપર ગરમી લાગે છે અને કમરથી નીચે ઠંડી લાગે છે. મારે શું કરવું?
જય દવે (ભાવનગર)
તમે બરફના ગોલામાં નાખવાની સળી બની જાઓ!
(૩)પુત્રનું નામ મન છે પણ પત્નીને ત્રણ અક્ષરવાળું નામ ગમે છે અને મને મન નામ ગમે છે. તો શું કરવું?
રામભાઈ પટેલ (સુરત)
મનનું ચીમન કરી નાખો, એટલે ઝઘડો સમાપ્ત.
(૪)સાહેબ..! ફરજીયાત હેલ્મેટનો કાયદો દૂર કરવા શું કરવું જોઈએ?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
તમામ લોકોએ મોટરસાઇકલ વેચી ને કાર ખરીદી લેવી જોઈએ.
(૫)સાહેબ..! ચુંટાયેલ નેતાઓને પ્રજાની વ્યથા ક્યારે સમજાશે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
બસ હવે તૈયારી છે. પ્રયત્ન ચાલુ રાખો.
(૬)સુરતના ખમણ એટલે પીળું સોનું. આ બાબતે તમારું શું કહેવું છે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
હશે પણ લારીએ જઈને બે તોલા ખમણ આપો એમ ન કહેવાય.
(૭)દવાખાને બતાવવા જઇએ છીએ ત્યારે ડોક્ટર કેમ પૂછે છે કે શું થાય છે?
જીગર યાદવ (ગુરુ) (દાત્રાણા-પાટણ)
તમારે એવો જવાબ આપવો – સાહેબ, કુછ કુછ હોતા હૈ!
(૮)ધન અને ધર્મનો ઓડકાર આવે છે ખરો?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
ઓડકાર ખાવાની વસ્તુનો આવે એવું અમે ભણતા ત્યારે અમારા સાહેબ કહેતા હતા.
(૯)”મૈ પલ દો પલ કા શાયર હું…..” પછી ?
કનુભાઈ પરમાર (દામનગર)
પછી લગ્ન થઈ ગયા હોયને?!
(૧૦)હોર્મુઝની ખાડીમાંથી આપણા જહાજો આરામથી પસાર થઈ જાય છે એનું કારણ શું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
પ્રેક્ટિસ, બીજું શું? આપણને ચાલુ પિરિયડે સ્કૂલ બન્ક કરવા આચાર્યની ઓફિસ સામેથી પસાર થવાનો અનુભવ છે.
(૧૧)બે હાસ્યલેખકો મળે તો શું કરે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
સામસામે ઘુરકિયા!
(૧૨)બસની ભીડમાં છીંક આવે તો શું કરવું?
દર્શન પટેલ (વડોદરા)
તમારે માત્ર તમારું મોઢું છીંકાકાર ગોઠવવું. એટલે આજુબાજુવાળા જે કરવું હશે એ કરશે.
(૧૩)તમારો પ્રશ્ન કેવો હોય?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
સવાલ કરતાં સારો.
(૧૪)લાગા ચુનરી મે દાગ મિટાઉ કૈસે?
રમાબેન પટેલ (અમદાવાદ)
બીજી ચુનરી ખરીદી લો અને હવે ધ્યાન રાખજો.
(૧૫)કચરો કચરાપેટીમાં નાખવો પણ કચરાપેટી ક્યાં નાખવી?
નીરવ ડણાંક (અમરેલી)
કચરામાં.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..