અમરેલી બસ સ્ટેશનમાં રાત્રિના ૯ કલાકે કન્ટ્રોલ પોઈન્ટ બંધ થઈ ગયા બાદ રાત્રિના ૧૨ કલાક પછી આવતી બસોના ડ્રાઈવરોને જાણે રેઢું પડ મળી ગયું છે. એસ.ટી. તંત્રના જવાબદાર અધિકારીઓની અત્યંત ઢીલી નીતિને કારણે એસ.ટી.ના ડ્રાઈવરો નિયત પ્લેટફોર્મ પર બસ ઊભી રાખવાને બદલે રાત્રિના સમયે મન પડે ત્યાં બસ ઊભી રાખી દે છે. આ લાપરવાહીના કારણે બસ પકડવા માટે મુસાફરોમાં ભારે દોડધામ મચી જાય છે. આ ગંભીર બાબતે વિભાગીય નિયામક સહિતના ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ઉલટાનું, નિયમોનું ઉલ્લંઘન કરતા આવા બેજવાબદાર ડ્રાઈવરોને છાવરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોવાથી સ્થાનિક અને બહારગામના મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અમરેલી જિલ્લા કક્ષાનો મુખ્ય એસ.ટી. ડેપો હોવાથી અહીં રાત્રિના સમયે પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. આમ છતાં, આટલા મહત્વના ડેપો પર રાત્રિના ૯ કલાકે જ કન્ટ્રોલ પોઈન્ટ બંધ કરી દેવામાં આવે છે. કન્ટ્રોલ પોઈન્ટ બંધ થઈ ગયા બાદ એસ.ટી. ડ્રાઈવરો પરથી વહીવટી અંકુશ સંપૂર્ણપણે હટી જાય છે અને તેમને મોકળું મેદાન મળી જાય છે. રાત્રિના ૧૨ કલાક પછી આવતી મોટાભાગની એક્સપ્રેસ બસના ડ્રાઈવરો પ્લેટફોર્મની શિસ્ત જાળવવાને બદલે મનફાવે ત્યાં બસ ઊભી રાખતા હોવાથી, અંધારામાં બસ શોધવા માટે અને બસ ક્યાંક ચૂકી ન જવાય તેવા ડરથી મુસાફરોમાં અફરાતફરી મચી જાય છે.આ સમસ્યા બાબતે જાગૃત નાગરિકો દ્વારા વિભાગીય નિયામક, ડીટીઓ, ડીએમઈ અને ડેપો મેનેજર સહિતના તમામ નાના-મોટા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમ છતાં, આ અધિકારીઓ દ્વારા જનતાના અને મુસાફરોના હિતમાં કોઈ કડક નિર્ણય લેવાને બદલે પોતાના જ કર્મચારીઓને છાવરવાના પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. તંત્રની આવી લોકવિરોધી નીતિને કારણે સામાન્ય જનતામાં વહીવટી શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે. મુસાફરોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જે નિર્ધારિત પ્લેટફોર્મ પર બસ આવવાની હોય ત્યાં બસ ક્યારેય આવતી જ નથી. બસ ડેપોના અન્ય કોઈ ખૂણે અથવા રસ્તા પર જ ઊભી રહી જતી હોવાથી, અમારે નાના બાળકો અને સામાન સાથે વારંવાર બસ તપાસવા માટે અહીંથી તહીં દોડધામ કરવી પડે છે. આ જટિલ સમસ્યા છેલ્લા ઘણા સમયથી સતત ચાલી રહી છે, પરંતુ એસ.ટી. પ્રશાસનના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. મુસાફરોએ હવે આખરી ચેતવણી આપતા ચિમકી ઉચ્ચારી છે કે, જો ડ્રાઈવરોને નિયત પ્લેટફોર્મ પર જ ફરજિયાત બસ ઊભી રાખવા માટે વહેલી તકે કડક લેખિત સૂચનાઓ આપવામાં નહીં આવે, તો ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.