સાવરકુંડલાના બગોયા ગામે મજાક-મશ્કરી બાબતે થયેલી માથાકૂટ પોલીસ મથક સુધી પહોંચી હતી. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. આરીફભાઇ હાસમભાઇ ઝાખરા (ઉ.વ. ૩૫) એ ઇસુભાઇ કાળુભાઇ દલ, મુસ્તાકભાઇ ઇસુભાઇ દલ, બેનીબેન ઇસુભાઇ દલ, શરીફાબેન ઇસુભાઇ દલ, મુસ્તાકભાઇના પત્ની તથા ફારૂકભાઇના પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી ત્રણેક દિવસ પહેલાં ગામની નદીમાં કપડાં ધોવા તથા નાહવા માટે ગઈ હતી. તે પોતાની બહેનપણી સાથે મજાક-મસ્તી કરતી હતી ત્યારે આરોપી મુસ્તાકભાઇના પત્ની તથા મુસ્તાકભાઇના બહેન શરીફાએ તેમની દીકરી અલવીરા તથા તેની સાથેના મહેનાઝબહેનને ગાળો આપી હતી. ફારૂકભાઇના પત્ની માર મારવા દોડ્‌યા હતા, જેથી તેઓ ઠપકો આપવા ઇસુભાઇ દલના ઘરે જતાં ઇસુભાઇએ તેમને પકડી રાખ્યા હતા. મુસ્તાકભાઇએ તેમને લાકડી વડે માર માર્યો હતો તેમજ તેમની માતાને ઢીકાપાટુ વડે મૂંઢમાર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ મુસ્તાકભાઇ ઇસુભાઇ દલ (ઉ.વ. ૩૨) એ આરીફભાઇ હાસમભાઇ ઝાખરા, હમીદાબેન હાસમભાઇ ઝાખરા, રીજુબેન આરીફભાઇ ઝાખરા, રફીકભાઇ અહમદભાઇ શેખ તથા રૂકસાનાબેન રફીકભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમનાં પત્ની તથા તેમનાં બહેન ત્રણેક દિવસ પહેલાં કપડાં ધોવા માટે ગામની નદીમાં ગયાં હતાં ત્યારે આરોપી આરીફભાઇની દીકરી તથા અન્યએ તેમનાં પત્નીની મશ્કરી કરી હતી અને પાણી ઉડાડ્‌યું હતું. જેથી આરોપીના પત્ની બંને દીકરીઓ પર ખીજાયાં હતાં.આ બાબતને લઈ તેમણે આરોપી રફીકભાઇને ઠપકો આપ્યો હતો. આ વાતનું મનદુઃખ રાખી તેમનાં પત્ની અને માતા કચરો નાખવા માટે શેરીમાં ઉકરડા પાસે ગયાં ત્યારે માથાકૂટ થઈ હતી. તેમણે આરોપી રફીકભાઇને ફરી વાર ઠપકો આપ્યો હતો, જે બાબતનું મનદુઃખ રાખી તેમને લાકડી વડે હોઠ ઉપર માર મારી ઈજા પહોંચાડી હતી. તેમની માતા તથા બહેનને પણ આરોપીઓએ ઢીકાપાટુ વડે માર મારી ગાળો આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એ. શેલાણા વધુ તપાસ કરી રહ્યા છે.