વડિયા તાલુકાના જીથુડી ગામેથી મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ખેતરમાંથી બાવળનું ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે શખ્સોએ ભેગા મળીને એક ખેડૂતને ઢીકાપાટુનો કાયરતાપૂર્ણ માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.અમરૂભાઇ બાવભાઇ ડેર (ઉ.વ.૪૯) એ દડુભાઇ ખોડાભાઇ ડેર તથા રોહીતભાઇ ભીખુભાઇ ડેર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ખેતરમાંથી દડુભાઈ ડેરે બાવળનું ઝાડ કાપી નાંખ્યું હતું. આ બાબતે તેમણે ઠપકો આપતા આરોપીઓને ખોટું લાગ્યું હતું. આરોપીઓએ તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો આપી, શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી. બળસટિયા વધુ તપાસ કરી રહ્યા છે.










































