અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયાએ પોતાનો કાર્યભાર સંભાળતાની સાથે જ શહેરની સફાઈ વ્યવસ્થાને સુધારવા માટે કમર કસી લીધી છે. તેમણે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર વહેલી સવારે જાતે બાઇક સવાર બનીને સમગ્ર શહેરમાં સફાઈ કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પ્રમુખે શહેરના મુખ્ય જાહેર માર્ગો તેમજ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને કચરાના નિકાલની વાસ્તવિક સ્થિતિ ચકાસી હતી. તેમણે સફાઈ કામદારોને નિયમિત અને યોગ્ય કામગીરી કરવા માટે જરૂરી કડક સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, તેમણે વહેલી સવારે દુકાનો ખોલતા વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે રૂબરૂ મુલાકાત કરીને સ્વચ્છતા અંગે તેમના મૂલ્યવાન પ્રતિસાદ અને સૂચનો મેળવ્યા હતા.











































