સાવરકુંડલા રેંજના મીતીયાળા રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરફેર સામે લાલ આંખ કરી છે. થોરડી રેવન્યુ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવ્યો હતો. આ ટ્રકની તપાસ કરતાં તેમાંથી મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન અધિકારીઓએ ટ્રક ચાલક પાસે લાકડાની કાયદેસરની વાહતુક માટે જરૂરી પરવાનગી તથા દસ્તાવેજોની માંગણી કરી હતી, પરંતુ ચાલક કોઈ પણ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. આથી વન વિભાગે તાત્કાલિક ધોરણે ટ્રક કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે વન વિભાગે કડક વલણ અપનાવીને ટ્રક માલિક પાસેથી ૨૦ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે.











































