વડિયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૬ ના સદસ્ય જુનેદ ડી. ડોડિયા દ્વારા વડિયાના સરપંચ, અમરેલી કલેક્ટર અને કુંકાવાવ ટીડીઓ (TDO) ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં કૃષ્ણપરા વિસ્તારની હવેલી શેરી અને ભરવાડ શેરીમાં બ્લોક રોડ તથા ભૂગર્ભ ગટર બનાવવાની ઉગ્ર માંગ કરાઈ છે.રજૂઆત અનુસાર, સ્થાનિક લોકો છેલ્લા ચાર વર્ષથી આ સુવિધા માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આગામી સમયમાં સાતમ-આઠમ અને મોહરમ જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં આવેલા મંદિરો અને દરગાહ પર દર્શનાર્થે આવતા લોકોને ચોમાસાના કારણે ભરાતા ગંદા પાણી અને ગંદકીનો સામનો કરવો પડશે. આથી, ચોમાસા પહેલાં આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા અને જો માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં “ગાંધી ચીંધ્યા” માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.