બાબરાના લુણકી અને હાથીગઢ ગ્રામ પંચાયતના પૂર્વ તલાટી કમ મંત્રી સહિત ૩ સામે ૨૪.૯૭ લાખની સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ભાવનગરના શિહોર તાલુકાના ખોડિયાર રાજપરાના અને હાલ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેકભાઈ ખાટાભાઈ ડાંગર (ઉં.વ. ૨૫)એ પૂર્વ તલાટી કમ મંત્રી એસ. આર. પટેલ તથા બેંક ઓફ બરોડાના ખાતાધારક ગોવિંદભાઈ વિ. પટેલ અને ગીતાબેન પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.એસ. આર. પટેલે તા. ૨૫/૦૬/૨૦૧૮ થી તા. ૨૦/૦૮/૨૦૨૩ સુધી લુણકી-હાથીગઢ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવી હતી. તેમની ફરજ દરમિયાન લુણકી તથા હાથીગઢ ગ્રામ પંચાયતના બેંક ઓફ બરોડાના સેવિંગ ખાતામાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ જમા થઈ હતી. તેમાંથી તેમણે લુણકી ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ. ૧૯,૪૮,૩૫૪ તથા હાથીગઢ ગ્રામ પંચાયતના ખાતામાંથી રૂ. ૫,૪૯,૪૧૨ મળી કુલ રૂ. ૨૪,૯૭,૭૬૬ની રકમના સરકારી નાણાંની પોતાના અંગત ફાયદા કે ઉપયોગ માટે ઉચાપત કરી હતી.૧૫માં નાણાપંચના જરૂરી રજિસ્ટર તથા ફાઈલો પણ સાથે લઈ ગયા હતા.આ ઉચાપત કરેલા નાણાં આરોપી નં. ૨ અને ૩ના ખાતામાં નાખી, તે બંને આરોપીઓએ નાણાં ઉપાડી લઈ આરોપી નં. ૧ને ગુનો કરવામાં મદદગારી કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની વિગત ફરિયાદમાં જાહેર થઈ છે.