અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશ કતલખાના મામલે ઝડપાયેલા આરોપી ઝહીરઉદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોના કસ્ટડી દરમિયાન થયેલા મોતને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ૭૦ વર્ષીય ઝહીર શેખના પરિવારજનોએ પોલીસ પર યાતના અને મારપીટના ગંભીર આક્ષેપો કર્યા છે. આ વચ્ચે ઝહીર શેખનો મોત પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો વધુ ગરમાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસ પહેલાં વેજલપુર પોલીસે સોનલ સિનેમા નજીક ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાં પર દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે ૫૨૦ કિલો પશુમાંસ જપ્ત કર્યું હતું તેમજ જીવતું વાછરડું પણ બચાવ્યું હતું.
પોલીસ કાર્યવાહી દરમિયાન કતલ માટે વપરાતા સાધનો, એક ઓટો રિક્ષા, નંબર પ્લેટ વગરની કાર, મોબાઈલ ફોન સહિત કુલ ૪.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી મુસ્તાક મલારીવાલા, રઈશ શેખ અને મુનાફ ઉર્ફે કાલુ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી મોહંમદ સાજીદ ઉર્ફે મુર્ગી અને ઝહીર ડબ્બો સહિત અન્ય કેટલાક લોકો ફરાર થઈ ગયા હતા. પછીથી પોલીસે વોન્ટેડ આરોપી ઝહીરઉદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બોને ઝડપી પાડ્યો હતો. જાકે, કસ્ટડી દરમિયાન તેની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઝહીર શેખને પહેલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, ઝહીર શેખે પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી દવાઓ લીધી હતી, ત્યારબાદ તેમની તબિયત બગડી હતી. હાલ પોલીસે દવાઓની પણ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઝહીર શેખનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ વીડિયો તેમના દીકરાએ રેકોર્ડ કર્યો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં ઝહીર શેખે કથિત રીતે પોલીસ પર મારપીટ અને યાતનાના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ કર્મચારીઓએ તેમની સાથે મારપીટ કરી, દાઢી ખેંચી અને પ્રાઈવેટ પાર્ટ પર લાત મારી હતી. એટલું જ નહીં, પૈસાની માંગ પણ કરવામાં આવી હોવાનું વીડિયોમાં કહેવાયું છે.ઝહીર શેખે વીડિયોમાં “અક્ષય” નામના એક પોલીસ અધિકારીનો પણ ઉલ્લેખ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ઝહીર શેખના પરિવારજનોએ પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, સારવાર દરમિયાન પણ ઝહીર શેખે કેટલાક પોલીસ કર્મચારીઓના નામ લીધા હતા.ત્યારબાદ તેમની તબિયત વધુ બગડી અને અંતે મોત થયું.ઘટનાના પગલે સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે. બીજી તરફ પોલીસે કસ્ટડીમાં મારપીટના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.સ્ટ્ઠpજ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની તબિયત વધુ માત્રામાં દવા ખાવાના કારણે બગડી હતી અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ ચાલી રહી છે.હાલ આ કસ્ટોડિયલ ડેથનો મામલો અમદાવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે લોકો પોલીસ તપાસના પરિણામ પર નજર રાખી રહ્યા છે.










































