ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુધ્ધ નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉના, નવાબંદર, કોડીનાર અને સોમનાથ મરીન વિસ્તારમાં સક્રિય આ ટોળકીના કુલ સાત સભ્યો સામે (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ શરીર સંબંધી ગંભીર ગુનાઓ, પ્રોહિબિશન, રાયોટિંગ, તોડફોડ અને સરકારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ લાવવા જેવી પ્રવૃત્તિઓ આચરતી હતી. ગેંગ લીડર નરેન્દ્ર ઉર્ફે યાગી બાંભણીયા સામે છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૧૯ ગુનાઓ નોંધાયેલા છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ટોળકી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સામેલ સાત આરોપીઓમાંથી મિલન બાંભણીયા અને વિજય પરમારની અટકાયત કરવામાં આવી છે, જ્યારે જેલમાં બંધ અન્ય ત્રણ આરોપીઓનો કબજો મેળવવા તજવીજ શરૂ કરાઈ છે અને ફરાર બે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.










































