ગોંડલના ભગવતપરા વિસ્તારમાં ગત મોડી રાત્રે મારામારીનો એક ગંભીર બનાવ હત્યામાં પલટાયો હતો. કોળી વાસની આ ઘટનામાં કાકા-ભત્રીજી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી કાકાનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. કોળી વાસમાં ૨૦ મેના રોજ મોડી રાત્રે એક પરિવાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જીવલેણ મારામારીમાં કાકા નિલેશભાઈ જયંતિભાઈ શેખ અને તેમની ૧૬ વર્ષીય ભત્રીજી ધર્મિષ્ઠાબેન શેખને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત કાકા – ભત્રીજીને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ૪૫ વર્ષીય નિલેશભાઈની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકોટ ખાતે સારવાર દરમિયાન નિલેશભાઈનું મોત નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પરિણમ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોતાનું એક્ટિવા ઘટના સ્થળે જ મૂકીને પગપાળા જ ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ અને લોકચર્ચા મુજબ આ હુમલામાં વિશાલ બાવરીયા નામનો શખ્સ અન્ય બે સાગરીતો સાથે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મારામારી કયા કારણોસર થઈ અને તેની પાછળનો મુખ્ય હેતુ શું હતો, તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.