શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી અને ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં સસ્તા ભાવે અમેરિકન ડાલર આપવાની લાલચ આપી વિદેશી કરન્સી એક્સચેન્જ (મની ચેન્જર)ના એક પ્રતિષ્ઠિત વેપારીને લાલ રંગની ૈ૨૦ કારમાં બંધક બનાવી રૂપિયા ૧૮ લાખ ૬૫ હજારથી વધુની રોકડ તેમજ વિદેશી કરન્સીની લૂંટ ચલાવવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેરના સુથારવાડ મહોલ્લામાં રહેતા અને ધોડદોડ રોડ પર “સિક્્યોર વર્લ્ડ સર્વિસિસ” નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો કાયદેસરનો વ્યવસાય કરતા ૫૧ વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા આ ઠગબાજાની જાળમાં ફસાયા હતા. ગત ૧૫ મે, ૨૦૨૬ના રોજ તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે પોતાની પાસે ૭૦૦૦ અમેરિકન ડાલર હોવાનું જણાવી, તેને આકર્ષક અને સસ્તા ભાવે ભારતીય રૂપિયામાં એક્સચેન્જ કરી આપવાની લાલચ આપી વેપારીને જહાંગીરપુરા ખાતે બોલાવ્યા હતા.
વેપારી ભારતીય ચલણ અને વિદેશી કરન્સી ભરેલી બેગ લઈને નિયત સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં લાલ રંગની હ્યુન્ડાઈ આઇ ૨૦ કાર આવી હતી. જાહેરમાં રકમની લેવડદેવડ સુરક્ષિત ન હોવાનું બહાનું બતાવી બદમાશોએ વેપારીને કારની પાછળની સીટ પર બેસાડી દીધા હતા. વેપારી કારમાં બેસતાની સાથે જ ચાલકે સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ ઓન કરી ગાડી પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી અને વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી કરન્સી ભરેલી બેગ આંચકી લીધી હતી.
પોલીસ નાકાબંધી અને પકડાઈ જવાના ડરથી કાર ચાલકે ગાડીને હજીરા-સાયણ હાઈવે તરફ વાળી દીધી હતી. લૂંટારુઓએ કારને મલગામા ગામની સીમમાં એક સુમસામ અને અંધારિયા કાચા રસ્તા પર લઈ જઈ વેપારીને કારમાંથી નીચે ધક્કો મારી દીધો હતો અને સાયણ તરફ ભાગી છૂટ્યા હતા.
ઘટના બાદ ભોગ બનનાર વેપારીએ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોની મદદ લઈ પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ લૂંટ અને અપહરણનો ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા વોટ્સએપ ચેટ અને વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરત પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરી દીધા છે. હાઈવે પર નાકાબંધી ચલાવવામાં આવી રહી છે અને લૂંટારુઓએ ઉપયોગ કરેલી લાલ રંગની આઇ ૨૦ કારની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.









































