ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને શામળાજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દારૂની તસ્કરીનો મોટો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન સરહદ તરફથી ગુજરાતમાં પ્રવેશતી એક ખાનગી લક્ઝરી બસમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
સત્તાવાર વિગતો મુજબ, અણસોલ પોલીસ ચેકપોસ્ટ પર એલસીબી અને શામળાજી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક શંકાસ્પદ લક્ઝરી બસને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. બસની બારીકાઈથી તપાસ કરતા તેમાંથી ખાસ બનાવેલા ગુપ્ત ખાના મળી આવ્યા હતા. આ ગુપ્ત ખાનાઓમાંથી પોલીસે વિદેશી દારૂના ૪૮૦ ક્વાર્ટર કબ્જે કર્યા હતા.
પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે લક્ઝરી બસ, વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૧.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ બસમાં સવાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનથી કટોકટી પૂર્વક અમદાવાદ સુધી પહોંચાડવાનો પ્લાન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર અને મંગાવનાર નેટવર્ક અંગે આગળની તપાસ શરૂ કરી છે









































