જાફરાબાદ બંદરે બોટ રિપેરિંગના કામમાં ફોલ્ટ કાઢવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને પિતા અને તેના બે પુત્રોએ મળીને એક કારીગર તેમજ સાહેદ પર બેટ અને લાકડાના ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં કારીગરને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે રાજેશભાઈ હરજીભાઈ સોલંકી ઉર્ફે ટાકાવાળા (ઉં.વ. ૩૫) એ ભોળાભાઇ રામજીભાઇ બાંભણિયા, અંકીત ભોળાભાઇ બાંભણિયા તથા અવિનાશ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેઓ જાફરાબાદમાં બોટ રિપેરિંગનું કામ કરે છે. આ કામ દરમિયાન ભોળાભાઈ ત્યાં આવ્યા હતા અને તેમના કામમાં ખોટી ખામીઓ કાઢવા લાગ્યા હતા. આથી તેમને આવી રીતે કામમાં ફોલ્ટ કાઢવાની ના પાડી હતી. જેથી ભોળાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા.
ખોટું લાગી આવતા ભોળાભાઈએ તાત્કાલિક પોતાના બે દીકરાઓને હથિયારો સાથે ત્યાં બોલાવી લીધા હતા. પિતા-પુત્રોએ ત્યાં આવીને તેમના પર આડેધડ હુમલો કર્યો હતો. જેમાં ભોળાભાઈ અને અવિનાશભાઈએ લાકડાના ધોકા વડે તેમજ અંકિતભાઈએ ક્રિકેટના બેટ વડે તેમને બેરહેમીપૂર્વક ફટકાર્યો હતો. આ હુમલાના કારણે તેમને શરીરે, માથામાં, પગમાં તેમજ છાતીના ભાગે ગંભીર મૂંઢ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓએ તેમને અને સાહેદને જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકી આપી હતી.







































