વૈશ્વિક બજારના સમીકરણો અને આંતરરાષ્ટ્રીય  સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં થયેલા ફેરફારની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. અમદાવાદ શહેરમાં મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. ૧૫ મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. ૩નો વધારો કરાયા બાદ હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ ૯૦ પૈસાનો વધારો થયો છે. જેના પગલે શહેરમાં પેટ્રોલના નવા ભાવ રૂ. ૯૮.૪૨ અને ડીઝલના નવા ભાવ રૂ. ૯૪.૨૭ પર પહોંચી ગયા છે.
શહેરમાં ગત ૧૫ મેના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૩.૦૩નો આકરો વધારો કરવામાં આવ્યો હતો. આ આંચકામાંથી હજુ જનતા બહાર આવે તે પહેલાં જ, પાંચ દિવસના ટૂંકા ગાળામાં ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ૮૬ પૈસાનો નવો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, ડીઝલના વપરાશકારો પર પણ મોટો બોજ નાખવામાં આવ્યો છે. ૧૫ મેના રોજ ડીઝલના ભાવમાં રૂ. ૩.૧૧નો તોતિંગ વધારો કરાયા બાદ, મંગળવારે ફરી ૯૪ પૈસાનો ભાવવધારો અમલી બની ગયો છે. આમ, માત્ર પાંચ દિવસની અંદર જ અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ પર સરેરાશ રૂ. ૪ જેટલો તોતિંગ વધારો ઝીંકાઈ ચુક્યો છે.
મંગળવારે અમલમાં આવેલા નવા ભાવવધારા બાદ શહેરમાં ઇંધણની કિંમતો નવી સપાટીએ પહોંચી ગઈ છે. મંગળવારના ભાવવધારા પહેલાં શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૫૬ હતો, જે હવે વધીને રૂ. ૯૮.૪૨ થઈ ગયો છે. જ્યારે કોમર્શિયલ વાહનો અને ટ્રાન્સપોર્ટેશન માટે મુખ્ય ગણાતા ડીઝલનો ભાવ અગાઉ રૂ. ૯૩.૩૩ હતો, જે હવે વધીને પ્રતિ લીટર રૂ. ૯૪.૨૭ની સપાટીએ પહોંચી ગયો છે.
મે-૨૦૨૪થી લઈને મે-૨૦૨૬ સુધીના લાંબા સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા, જેના કારણે જનતાને મોટી રાહત હતી. પરંતુ બે વર્ષની આ લાંબી શાંતિ બાદ, મે-૨૦૨૬ના ચાલુ માસમાં જ માત્ર પાંચ દિવસની અંદર બે વખત ભાવવધારો થતાં વાહનચાલકોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે. જા આગામી દિવસોમાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં જ રૂ.૧૦૦ની ઐતિહાસિક સપાટી પાર કરી જશે.