સાવરકુંડલા શહેરના હૃદયસમા પટેલ માર્કેટ વિસ્તારમાં જુના બસસ્ટેન્ડથી રૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો નથી. જીયુડીસી (ય્ેંડ્ઢઝ્ર) વિભાગ અને હરેશ કન્ટ્રક્શન દ્વારા હાથ ધરાયેલા આ કામની મુદત ૧૫ મે, ૨૦૨૬ ના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. આ મુખ્ય માર્ગ પર સરકારી હોસ્પિટલ, પોલીસ ચોકી, બેંકો, એલઆઇસી ઓફિસ અને વ્યાપારી દુકાનો આવેલી હોવાથી રસ્તો બંધ રહેવાના કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહનચાલકોને લાંબા ડાઈવર્ઝનમાંથી પસાર થવું પડે છે. એસટી બસો બંધ થવાથી મુસાફરો અને રાહદારીઓની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સ્થાનિક શહેરીજનોની પુરજોશ માંગ છે કે જીયુડીસી વિભાગ, નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા આ તૈયાર રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જેથી જનજીવન પુનઃ સામાન્ય બની શકે.