અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને ડીએમઓ ડો. એ.કે. સિંગના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વાંકિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત પીઠવાજાળ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા એક ખાસ શિબિરનું આયોજન થયું હતું, જેની આ વર્ષની થીમ “સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ” રાખવામાં આવી હતી. શિબિરમાં સરપંચ ભાવેશભાઈ ગોંડલીયા, ઉપસરપંચ જયંતીભાઈ મકવાણા અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય ટીમ દ્વારા ગામમાં સર્વેલન્સ, એબેટ ડિસ્કાડ અને મચ્છરોના પોરા ખાતી ગપ્પી માછલીઓ મૂકવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. તબીબોએ ગ્રામજનોને ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવા, પાણીના પાત્રો ઢાંકીને રાખવા, દર અઠવાડિયે તેને સાફ કરવા અને મચ્છરોથી બચવા માટે આખા શરીરને ઢાંકતા કપડાં પહેરવા જેવી મહત્વની બાબતો સમજાવીને જાગૃત કર્યા હતા.