ચલાલા શહેરમાંથી કૌટુંબિક સભ્યોની હેવાનિયત અને અત્યાચારની એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક સગીર વયની દીકરી અન્ય કોઈ છોકરાની એક્ટિવા પાછળ બેસીને જતી હતી, ત્યારે તેને જોઈ જતાં તેના જ સગા મોટાબાપુ અને દાદાએ ભેગા મળીને તેને બેરહેમીથી માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે સગીરાએ તેના મોટાબાપુ મનોજભાઇ તથા દાદા પ્રેમજીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સગીરા કોઈ અજાણ્યા છોકરાની એક્ટિવા પાછળ બેસીને ક્યાંક જઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા તેના મોટાબાપુ મનોજભાઈ તેને જોઈ લીધી હતી. સગીરાને અન્ય યુવક સાથે જોઈ જતાં મોટાબાપુએ પ્રેમસંબંધ હોવાની શંકા કરી હતી.આરોપી મનોજભાઈએ રસ્તામાં જ તેના વાળ પકડી લીધા હતા અને બે-ત્રણ લાફા મારીને મૂઢમાર માર્યો હતો.
એટલું જ નહીં, તેમણે જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વાત આટલેથી ન અટકતાં, સગીરા જ્યારે ઘરે પહોંચી ત્યારે મોટાબાપુ મનોજભાઈએ ફરીથી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન સગીરાના સગા દાદા પ્રેમજીભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બંનેએ ભેગા મળીને માસૂમ દીકરીને બેફામ ગાળો ભાંડી હતી અને “તને ઝેરી દવા પીવડાવીને જાનથી મારી નાખીશું” તેવી ગંભીર ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ હનિફભાઇ ભટ્ટી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.