અમરેલી જિલ્લામાં ગ્રામીણ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ અમરેલીના માળીલા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું, તેમજ બરવાળા બાવીશી મુકામે રૂ. ૨૫ લાખના ખર્ચે બનનારા બરવાળા-ઢોલરવા માર્ગના કોઝ-વેનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાને જળસિંચન અને કૃષિ વિકાસ માટે અનેક ભેટ મળી છે. વિધાનસભાના ૧૧૫ ગામોમાં તળાવ ઊંડા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત, ખેડૂતો માટે ઉપયોગી ‘સનેડા’ની ખરીદી પર અપાતી સબસિડી વધારીને હવે રૂ. ૬૦,૦૦૦ થી રૂ. ૭૫,૦૦૦ સુધી કરવામાં આવી છે. સ્થાનિક સરપંચએ મંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગામમાં અત્યાર સુધીમાં અંદાજિત રૂ. ૪ કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે, જેનાથી ગ્રામીણ સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.







































