ગુજરાતના મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટને ફરી એકવાર નવો વેગ મળ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડૂત નેતા બાવકુ ઊંધાડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સતત કરવામાં આવેલી રજૂઆતો રંગ લાવી છે. નર્મદા અને કલ્પસર વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં આ પ્રોજેક્ટના અહેવાલની જવાબદારી ચેન્નઈની ‘નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ’ (NCCR) સંસ્થાને સોંપવામાં આવી છે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની નેધરલેન્ડ મુલાકાત અને ત્યાંના અફસ્લુટડાઇક બંધની આધુનિક ટેક્નોલોજીના નિરીક્ષણ બાદ આ ડ્રિમ પ્રોજેક્ટ સાકાર થવાની આશા પ્રબળ બની છે. જો ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે અંદાજે ૩૦ કિલોમીટર લાંબો ડેમ અને વિશાળ જળાશય બનશે, તો સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું અંતર ઘટશે. આ યોજનાના સફળ અમલીકરણથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ખેતી, સિંચાઈ, ઉદ્યોગો અને જળ પરિવહન ક્ષેત્રે વિકાસની નવી તકો ઊભી થશે, જેનાથી આ પછાત ગણાતા વિસ્તારમાં આર્થિક ક્રાંતિ આવશે.










































