ગોંડલ તાલુકાના મોવિયા ગામે આજે એક આશ્ચર્યજનક અને ઐતિહાસિક હરાજી જોવા મળી. રાજાશાહી સમયના જર્જરિત શાળાના રૂમોના કાટમાળ માટે યોજાયેલી આ જાહેર હરાજીમાં ધાર્યા કરતા અનેકગણી ઊંચી બોલી બોલાઈ હતી. માત્ર ૪૩ હજાર રૂપિયાથી શરૂ થયેલી હરાજી ૨૮ લાખે પહોંચતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.ગામની કુમાર તાલુકા શાળા નં. ૧ અને કન્યા પ્રાથમિક શાળા (બુનિયાદી સ્કૂલ)માં રાજાશાહી સમયના ૧૫ જેટલા જર્જરિત રૂમો આવેલા છે. આ રૂમોને પાડીને કાટમાળ હટાવવા માટે આજે સવારે કન્યા શાળાના મેદાનમાં એક જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ હરાજી માટે તંત્ર દ્વારા માત્ર રૂ. ૪૩,૯૦૦/- ની અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી અને હરાજીમાં ભાગ લેનાર ઈચ્છુકોએ રૂ. ૫,૦૦૦/- ડિપોઝીટ પેટે જમા કરાવવાના હતા. આશ્ચર્યની વાત એ રહી કે આ કાટમાળની હરાજીમાં ભાગ લેવા માટે ૧૭૫ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. ૪૩,૯૦૦ /- રૂપિયાથી શરૂ થયેલી બોલીમાં વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી.










































