બગસરા એસટી ડેપોમાં આશરે ૪.૫ કરોડના ખર્ચે વર્કશોપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેનો કોન્ટ્રાક્ટ જૂનાગઢની અખિલ એન્ટરપ્રાઇઝને અપાયો છે.
ડેપો મેનેજર અને સ્થાનિકોની વારંવારની મનાઈ છતાં, કોન્ટ્રાક્ટરના માણસોએ કપાયેલાં વૃક્ષોને આગ લગાડી હતી. આ અણસમજ અને ઘોર બેદરકારીને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આશરે ૧૫ થી ૨૦ ફૂટ ઊંચી ઊઠેલી જ્વાળાઓને લીધે આજુબાજુના વિસ્તારોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળથી માત્ર ૨૦૦ મીટરના અંતરે જ ડીઝલ પંપ હોવાથી મોટી દુર્ઘટનાનો ભય હતો. સદનસીબે, બગસરા અને અમરેલી નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થાનિક લોકોના સહયોગથી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં, પોતાની મનમાની ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકનાર આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરી તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.