સુરત જિલ્લામાં વાપી-શામળાજી હાઇવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો રોષ હવે રસ્તા પર ફાટી નીકળ્યો છે. માંડવી તાલુકાના સથવાવ ગામે નેશનલ હાઇવે-૫૬ બાયપાસ માટે થનારા જમીન સંપાદન સામે ખેડૂતો અને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જાન દેંગે, જમીન નહીંના નારાઓ વચ્ચે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું અનેક આગેવાનોની અટકાયત કરવામાં આવી અને હાઇવે પર ચક્કાજામ થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે હાઇવે પ્રોજેક્ટના કારણે માંડવી તાલુકાના અનેક ગામોની જમીનો સંપાદિત થવાની છે. જેના કારણે સૈંકડો પરિવારો જમીન વિહોણા અને ઘર વિહોણા બનવાની કગાર પર આવી ગયા છે. લોકોનું કહેવું છે કે તેમની પાસે જીવનનિર્વાહ માટે ખેતી સિવાય બીજા કોઈ વિકલ્પ નથી.
વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી સહિતના આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં જાડાયા હતા. ખેડૂતો સાંસદ પ્રભુ વસાવાને રજુઆત કરવા માટે નીકળ્યા હતા, પરંતુ સાંસદના આશ્રમ નજીક જ પોલીસે બેરીકેટ મૂકી ટોળાને અટકાવ્યું હતું.
પોલીસે ટોળાને રોકતા જ સ્થિતિ વધુ તંગ બની ગઈ. ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા. જાન દેંગે, જમીન નહીંના ગગનભેદી નારાઓ વચ્ચે વાતાવરણ ગરમાયું અને ત્યારબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા.
વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિત અંદાજે ૨૦થી ૩૦ લોકોની અટકાયત કરી. અટકાયતના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઇવે પર ચક્કાજામ કર્યો. જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ.
ખેડૂતોનો આરોપ છે કે તંત્ર તેમની વાત સાંભળવા તૈયાર નથી. જમીન સંપાદન સામેનો આ વિરોધ હવે માત્ર સથવાવ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્્યતાઓ દેખાઈ રહી છે. વાપી-શામળાજી હાઇવે પ્રોજેક્ટ હવે વિકાસ સામે વિસ્થાપનનો મોટો પ્રશ્ન બની રહ્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખેડૂતોના ઉગ્ર વિરોધ પછી વાપી-શામળાજી હાઇવે પ્રોજેક્ટનો મુદ્દો હવે રાજકીય રંગ પણ લેતો જાવા મળી રહ્યો છે. એક તરફ સરકાર વિકાસની વાત કરી રહી છે, તો બીજી તરફ ખેડૂતો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. હવે જાવાનું રહેશે કે તંત્ર ખેડૂતોની ચિંતાઓ દૂર કરે છે કે પછી આ આંદોલન વધુ ઉગ્ર બને છે.