અમરેલીના લાઠી ચોકડી પાસે આવેલા બુલેટના શો-રૂમ નજીક હિટ એન્ડ રનની એક ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇનોવા કારના ચાલકે મોટરસાયકલ સવાર
વૃધ્ધને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ, ડેનીશભાઇ નિલેષભાઇ આજગ્યા(ઉ.વ.૨૨)ના પિતા પોતાનું મોટરસાયકલ લઈને લાઠી ચોકડી તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન બુલેટ શો-રૂમ પાસે પહોંચતા જ સામેથી આવી રહેલી ઇનોવા કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે, બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવીને વૃધ્ધને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ઇનોવા ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. વી. મકવાણા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.









































