બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત ધારાસભ્ય જનક તળાવીયાના અથાગ પ્રયાસોથી ગમા પીપળીયા-વાવડી માર્ગ પર રૂ. ૯૦ લાખના ખર્ચે નવો પુલ મંજૂર કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણથી સ્થાનિક જનતાની વર્ષો જૂની માંગ પૂર્ણ થશે. આ માર્ગ પર ચોમાસામાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર અટકી જતો હતો, જેના લીધે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ભારે મુશ્કેલી પડતી હતી. હવે આ પુલ બનવાથી બારમાસી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મજબૂત રસ્તા-પુલ અનિવાર્ય છે અને સરકારમાં રજૂઆત કરીને આ કામ મંજૂર કરાવ્યું છે. આ પુલથી ખેડૂતોને ખેતઉત્પાદન બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે તેમજ આરોગ્ય, શિક્ષણ અને વેપાર ક્ષેત્રે મોટો સુધારો થશે. સ્થાનિક ગ્રામજનોએ સતત વિકાસ કાર્યો બદલ ધારાસભ્યનો આભાર માન્યો છે.










































