અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં એક રહસ્યમય પદાર્થના સંપર્કમાં આવવાથી લોકો બીમાર પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. શંકાસ્પદ ડ્રગ ઓવરડોઝની માહિતી મળ્યા બાદ એક ઘરે પહોંચેલા રાહત અને બચાવ કાર્યકરો સહિત ઘણા લોકો બીમાર પડ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ફર્સ્ટ રિસ્પોન્ડર્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને પરીક્ષણ અને ડિકન્ટેમિનેશન કરાવવામાં આવ્યું હતું. ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અલ્બુકર્કના પૂર્વમાં આવેલા ગ્રામીણ વિસ્તાર માઉન્ટેનએરના એક ઘરમાં ચાર લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે અહેવાલ આપ્યો છે કે પીડિતોમાંથી ત્રણનું મૃત્યુ થયું છે, જ્યારે ચોથાની સારવાર અલ્બુકર્ક હોસ્પિટલમાં ચાલી રહી છે. અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ઘટનાસ્થળે પહોંચેલા ઘણા બચાવ કાર્યકરો પણ અજાણ્યા પદાર્થના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે ઉબકા, ચક્કર અને નબળાઈ જેવા લક્ષણો જાવા મળ્યા હતા. યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે અજાણ્યા પદાર્થના સંપર્કમાં આવેલા કુલ ૨૩ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ડિકન્ટેમિનેશન કરાવવામાં આવ્યું હતું. આમાંથી મોટાભાગના ફર્સ્ટ રિસ્પોન્ડર હતા જેમને સાવચેતી તરીકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકોને ગંભીર લક્ષણોનો અનુભવ થયો ન હતો અને બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. જાકે, હોસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે બુધવાર સાંજ સુધી ત્રણ દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. ન્યુ મેક્સિકો સ્ટેટ પોલીસ અધિકારી વિલ્સન સિલ્વરએ જણાવ્યું હતું કે બે બચાવ કાર્યકરો ગંભીર હાલતમાં છે. ઘટના બાદ આલ્બુકર્ક ફાયર રેસ્ક્યુની હેઝમેટ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ટીમ પરિસ્થિતિનું કારણ બનેલા અજાણ્યા પદાર્થને ઓળખવા માટે કામ કરી રહી છે.
અધિકારી વિલ્સન સિલ્વરએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે પદાર્થ સંપર્ક દ્વારા ફેલાયો હોઈ શકે છે અને હાલમાં તે હવામાં ફેલાતો નથી. ઘટનાસ્થળની આસપાસ કડક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે ઘર તરફ જતો ધૂળિયા રસ્તો બંધ કરી દીધો છે અને પીળા ચેતવણી ટેપથી વિસ્તારને ઘેરી લીધો છે. માઉન્ટેનએરના મેયર પીટર નીટોએ સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો આ ઘટનામાં ડ્રગ્સ સંભવિત પરિબળ તરીકે સૂચવે છે. જાકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં જનતા માટે કોઈ તાત્કાલિક ખતરો નથી.
ઘટના બાદ, સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર વિસ્તારમાં ડ્રગ્સના વધતા દુરુપયોગ અને પદાર્થના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સમુદાયમાં ફેલાતી ડ્રગની સમસ્યા પર પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેયર પીટર નીટોએ જણાવ્યું હતું કે શહેરના પોલીસ અધિકારીઓ અને બચાવ કાર્યકરો જનતાનું રક્ષણ કરવા માટે દરરોજ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે. તેમણે કહ્યું, “ડ્રગ અને માદક દ્રવ્યોનું વ્યસન ફક્ત આપણા શહેર માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનો કોઈ સરળ કે ઝડપી ઉકેલ નથી.”