અમરેલીમાં પ્રેમ સંબંધની શંકા રાખીને એક યુવક પર ચાલુ એક્ટિવા પર તલવાર વડે હુમલો કરી નાકના ભાગે ગંભીર ઘા ઝીંકવામાં આવ્યો હતો, તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ બનાવ અંગે સિરાજભાઈ જમાલભાઈ ચાવડા (ઉં.વ. ૪૦) એ સોહિલ ઉર્ફે સચી ઈબ્રાહીમભાઈ રાઠોડ, સલીમ ઈબ્રાહીમભાઈ રાઠોડ, સિરાજ ઈબ્રાહીમભાઈ રાઠોડ તથા અજમલ અશરફભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી સોહિલ રાઠોડને શંકા હતી કે સિરાજભાઈને તેની પત્ની સાથે પ્રેમ સંબંધ છે. આ શંકાના આધારે, ફરિયાદી જ્યારે પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તમામ આરોપીઓ જાનથી મારી નાખવાના ઈરાદે ખુલ્લી તલવાર તથા લોખંડની પાઈપ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.આરોપીઓએ ચાલુ એક્ટિવા પર જ ફરિયાદીના નાક પર તલવારનો ઘા મારતા તેઓ નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમને લોખંડની પાઈપ વડે શરીરે આડેધડ ફટકા મારી ગંભીર મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. બી. ભટ્ટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આરોપીઓનું રિ-કન્ટ્રકશન કરાયુ
પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ગણતરીના કલાકોમાં જ ચારેય શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં સોહિલભાઈ ઉર્ફે સચી ઇબ્રાહીમભાઈ રાઠોડ, સલીમભાઈ ઉર્ફે છનો ઇબ્રાહીમભાઈ રાઠોડ, સીરાજભાઈ ઇબ્રાહીમભાઈ રાઠોડ અને અજમલભાઈ ઉર્ફે અજુ અસરફભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ મુખ્યત્વે અમરેલીના જૈન દેરાસર અને ચોરાપા વિસ્તારના રહેવાસી છે.આરોપીઓનું પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્ટ્રક્શન કર્યુ હતુ.











































