વડિયા-કુંકાવાવ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પેટ્રોલ અને ડીઝલની ભારે તંગીના કારણે આજે સ્થાનિક પેટ્રોલ પંપો પર ભારે અફરાતફરી અને ટ્રાફિકના દૃશ્યો સર્જાયા હતા.
ઈંધણ ખૂટી જવાની આશંકા અને ચિંતા વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો અને વાહનચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્‌યા હતા, જેને પગલે વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર વડિયા પંથકમાં પેટ્રોલ-ડીઝલની અછતને કારણે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતીની સીઝન નજીક હોવાથી, ખેડૂતોમાં ડીઝલ મેળવવા માટે ભારે દોડધામ મચી ગઈ છે.
અચાનક પંપ પર ભીડ વધતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા વડિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.ડી. ગોહિલ પોતાની ટીમ અને પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તુરંત મોરચો સંભાળ્યો હતો.