રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી રચાયા બાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકામાં હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના હોદેદારોની સત્તાવાર નિમણૂક ન થતાં કોર્પોરેટરોને હાલ પગાર અને ભથ્થાં મળી શકશે નહીં.
પ્રાથમિક વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાની બોર્ડ પ્રક્રિયા અને એજન્ડા મંજૂરીમાં વિલંબ થવાને કારણે નવા કોર્પોરેટરોને ઓછામાં ઓછા એક મહિનાનો પગાર અને ભથ્થું અટકાવવામાં આવશે. નવી બોડીની સત્તાવાર કામગીરી શરૂ ન થતાં આ સ્થિતિ ઊભી થઈ હોવાનું મનાય છે.
હાલમાં મનપામાં વિવિધ પદો માટેની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. જેના કારણે નગરપાલિકાની કામગીરી સંપૂર્ણ રીતે શરૂ થઈ શકી નથી. હવે આગામી ૨૮ મેના રોજ નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ યોજાવાનું છે, જેમાં નવા હોદેદારોની પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની નિમણૂક બાદ જ કોર્પોરેટરોના પગાર અને અન્ય ભથ્થાંની પ્રક્રિયા શરૂ થશે. તેથી નવા ચૂંટાયેલા સભ્યોને હાલ થોડી રાહ જાવી પડશે










































