ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ શરૂ થાય તે પહેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં, ભારતીય ટીમે ભગવાન મહાકાલના આશીર્વાદ માંગ્યા અને તમામ ખેલાડીઓએ ભસ્મ આરતીમાં ભાગ લીધો. ભારતીય ટીમની ઘણી ખેલાડીઓ તેમના પરિવારો સાથે આશીર્વાદ મેળવવા માટે પહોંચી હતી. ૧૨ જૂનથી ઇંગ્લેન્ડ દ્વારા શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં તમામ ખેલાડીઓએ મજબૂત પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી. ભારત હજુ સુધી આ ટુર્નામેન્ટ જીતી શક્યું નથી.
ભારતીય ટીમની વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાએ વાત કરતા કહ્યું કે મહાકાલ મંદિરની મુલાકાત લેવાથી તેમને અપાર શાંતિ મળે છે. તેમણે કહ્યું કે ગયા મહિને પણ તેમણે મુલાકાત લીધી હતી, અને ભસ્મ આરતી દરમિયાન બાબાના દર્શન કર્યા પછી તેમને અપાર શાંતિ મળે છે. યાસ્તિકાએ સમજાવ્યું કે બધા ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા ભગવાન મહાકાલના આશીર્વાદ મેળવવા માંગતા હતા, જેથી ટીમ માટે સફળ ટુર્નામેન્ટ સુનિશ્ચિત થાય. નોંધનીય છે કે ભારતીય ટીમે વનડે વર્લ્ડ કપ જીત્યા પછી પણ મહાકાલની મુલાકાત લીધી હતી.
ભારતીય ટીમ ૧૪ જૂને પાકિસ્તાન સામે પોતાના ટુર્નામેન્ટ અભિયાનની શરૂઆત કરશે. ટીમનો આગામી મુકાબલો ૧૭ જૂને નેધરલેન્ડ્‌સ સામે થશે. ટીમ ઈન્ડિયા ૨૧ જૂને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે મજબૂત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ૨૫ જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાશે, જ્યારે ભારતીય ટીમ ૨૮ જૂને તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
વનડે વર્લ્ડ કપ જીત્યા પછી, ભારતીય ટીમ ટી૨૦ ક્રિકેટમાં પણ મજબૂત પ્રદર્શન કરવા માંગશે. ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી. જાકે, ભારતીય ટીમે તાજેતરમાં આ ફોર્મેટમાં ઉત્તમ ક્રિકેટ રમી છે. આ વર્ષે, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેમના જ મેદાનમાં ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીમાં હરાવ્યું. એપ્રિલ ૨૦૨૬ માં, દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણીમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, જેમાં શ્રેણી ૧-૪ થી હારી ગઈ.