વડિયા તાલુકાના ખડખડ ગામે બેંકનું કરજ ચૂકવવા માટે સંયુક્ત ખાતાની જમીન વેચવાની બાબતે પરિવારના સભ્યોએ ના પાડતા, એક વ્યક્તિએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા. આ અંગે ચંદ્રિકાબેન અશ્વિનભાઈ હીરપરા (ઉ.વ. ૪૦)એ પોલીસ સમક્ષ જાહેર કર્યા મુજબ, અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા (ઉ.વ. ૪૫) છેલ્લા ૧૦ વર્ષથી માનસિક રોગની દવા લેતા હતા.
તેમના માથે બેંકનું લેણું વધી ગયું હોવાથી તેઓ દેણું ભરપાઈ કરવા પોતાના પરિવારની સંયુક્ત ખાતાની જમીનનો એક ભાગ વેચવા માંગતા હતા. જોકે, ઘરના અન્ય સભ્યો આ માટે તૈયાર નહોતા અને તેમણે જમીન વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરિવારજનોના આ નકારથી તેમને મનમાં ભારે લાગી આવ્યું હતું, જેથી તેમણે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ. એમ. કાછેલા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.