ભારતીય રેલ્વેએ દિલ્હીથી રાજસ્થાન અને ગુજરાત માટે બે નવી ટ્રેનો શરૂ કરી છે. આમાંથી એક ટ્રેન રાજસ્થાનમાં તેની યાત્રા પૂર્ણ કરશે, જ્યારે બીજી રાજસ્થાનમાંથી પસાર થશે અને ભુજ, ગુજરાત ખાતે સમાપ્ત થશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પાલી મારવાડથી જાલોર-દિલ્હી ઉદ્ઘાટન વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી.
અશ્વિની વૈષ્ણવે ઉત્તર પશ્ચિમ રેલ્વેના પાલી મારવાડ રેલ્વે સ્ટેશનથી ટ્રેન નંબર ૦૪૮૭૫, જાલોર-દિલ્હી ઉદ્ઘાટન વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા, રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે પાલી મારવાડ ક્ષેત્રના લોકોને લાંબા સમયથી વધુ સારી રેલ કનેક્ટિવિટીની જરૂર હતી, જે ગઈકાલે નવી ટ્રેનના આગમન સાથે પૂર્ણ થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે આ નવી ટ્રેનથી પાલીને રાષ્ટ્રીય રાજધાની અને રાજ્યની રાજધાની સાથે બીજું ટ્રેન જાડાણ મળ્યું છે.
આ ઉપરાંત, દિલ્હીથી ગુજરાતના ભુજ માટે એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૪૦૩, ભુજ-દિલ્હી-ભુજ એક્સપ્રેસ, ૨૩ મે થી દરરોજ સવારે ૧૧ઃ૧૫ વાગ્યે ભુજ થી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ઃ૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નંબર ૧૯૪૦૪, દિલ્હી-ભુજ એક્સપ્રેસ, ૨૪ મે થી દરરોજ બપોરે ૪ઃ૪૦ વાગ્યે દિલ્હી થી ઉપડશે અને બીજા દિવસે સાંજે ૭ઃ૩૫ વાગ્યે ભુજ પહોંચશે.
દિલ્હી અને ભુજ વચ્ચે દોડતી આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મુકલસર, સમદરી, લુણી, પાલી મારવાડ, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, અલવર અને રેવાડી રેલ્વે સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં કુલ ૧૮ એલએચબી કોચ છે, જેમાં એક સેકન્ડ એસી, ત્રણ થર્ડ એસી, આઠ સ્લીપર અને ચાર જનરલ ક્લાસ કોચનો સમાવેશ થાય છે.