પશ્ચિમ બંગાળના દક્ષિણ દમદમ નગરપાલિકાના તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર સંજય દાસનો લટકતો મૃતદેહ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના દમદમ વિસ્તારમાં તેમના ઘરમાંથી મળી આવ્યો છે.
મૃતદેહને દમ દમ નગરબજાર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ રાજારહાટ ગોપાલપુર વિધાનસભા મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય અદિતિ મુનશીના પતિ હતા અને તૃણમૂલ નેતા દેબરાજ ચક્રવર્તીના નજીકના હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સરકાર બદલાયા બાદ તેઓ માનસિક તણાવમાં હતા. આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો હતો અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો અને તે વિરોધ પક્ષમાં છે. ભાજપે ૨૦૭ બેઠકો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસને ફક્ત ૮૦ બેઠકો મળી હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તૃણમૂલ કાર્યકરો લાંબા સમયથી ગુસ્સામાં છે. તૃણમૂલ કોંગ્રેસના કાઉન્સિલર સંજય દાસના મૃતદેહની શોધથી ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં, મુખ્યમંત્રી સુવેન્દુનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, “તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અમારા કાર્યકરો પર કરવામાં આવેલા અત્યાચારોને હું ભૂલી શક્્યો નથી. ભૂતકાળના રાજકીય ગુનાઓ માટે પોલીસને એફઆઇઆર દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.” વધુમાં, પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીની સરકાર બન્યા પછી, બુલડોઝર કામગીરી શરૂ થઈ. રાજ્યના મુખ્ય રેલ્વે સ્ટેશનો, હાવડા અને સિયાલદાહની આસપાસ બુલડોઝર કામગીરી કરવામાં આવી. આ અંગે મંત્રી દિલીપ ઘોષે જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ અથવા અતિક્રમણ હશે ત્યાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે.