અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાંથી પોલીસ વિભાગને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી જ દારૂના નશામાં જાહેર રસ્તા પર ઉત્પાત મચાવતા જોવા મળ્યા હતા. વિરમગામના ગોલવાડી દરવાજા બહાર આવેલી ભરી બજારમાં એક પોલીસ કોન્સ્ટેબલે કાર ચાલક સાથે મારામારી કરી હોવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

માહિતી અનુસાર, ગોલવાડી દરવાજા સર્કલ પાસેથી એક કાર પસાર થઈ રહી હતી, ત્યારે સાદા કપડામાં રહેલા અને નશાની હાલતમાં હોવાનું કહેવાતા કોન્સ્ટેબલ જયંતીએ કાર ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જાતજાતામાં વાત ઉગ્ર બની ગઈ અને કોન્સ્ટેબલે જાહેર રસ્તા પર કાર ચાલક સાથે મારામારી શરૂ કરી દીધી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલે કારના કાચ પણ તોડી નાખ્યા હતા. ભરચક બજારમાં બનેલી આ ઘટનાને કારણે વેપારીઓ અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ઘટનાના કારણે વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીઓએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં ધૂત કોન્સ્ટેબલ જયંતીભાઈએ પોતાના જ અધિકારી પીએસઆઇ સામે પણ ઉગ્ર બોલાચાલી કરી હતી.સ્થળ પર હાજર લોકોએ પોલીસ કર્મચારીના વર્તનને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં વિરમગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ જયંતીની અટકાયત કરી હતી. હાલ કાર ચાલક અને કોન્સ્ટેબલ બંનેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધીને કોન્સ્ટેબલ સામે કાયદેસરની તેમજ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના બાદ ફરી એકવાર પોલીસ વિભાગની છબી અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.